વલસાડઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, જેથી લોકો સ્વૈચ્છિક રીતે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે આવા સમયમાં આદિવાસી સમાજમાં પ્રચલિત એવી શ્રીફળથી રમાનારી ટપ્પા દાવની રમત પણ આ વર્ષે અમાસના દિવસે ધરમપુરમાં મોકૂફ રહી હતી અને લોકો સ્વયં જ બજારમાં આવ્યાં ન હતા. જેને કારણે આ વખતે ધરમપુરમાં રમાનારી ટપ્પા દાવની રમત બંધ રહી હતી.
મહત્વનું છે કે આદિવાસી સમાજમાં ડાંગરના પાકની રોપણી થયા બાદ શ્રાવણ મહિનાના આગલા દિવસે અમાસના રોજ ધરમપુર નગરમાં એક ઉત્સવનો માહોલ હોય છે અને તે દરમિયાન લોકો નારિયળ ફોડીને ટપ્પા દાવની રમત રમે છે.
દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં વસવાટ કરતા આદિવાસી સમાજમાં દિવાસાના પર્વને ધામધુમથી ઉજવવામાં આવે છે. જેને લોકો ગટર અમાસ તરીકે પણ ઉજવે છે. ચોમાસુ શરૂ થયા બાદ આદિવાસી સમાજના લોકો ખેતરોમાં ડાંગરના પાકની રોપણી શરૂ કરે છે અને તેઓની આ રોપણી પૂર્ણ થયા બાદ અમાસના દિવસે તેઓ વિવિધ ખાનપાન અને વિવિધ રમતો દ્વારા તેની ઉજવણી કરતા હોય છે. જે માટે ધરમપુરમાં દિવાસાના દિવસે શ્રીફળથી રમાનારી ટપ્પા દાવની રમત આદિવાસી સમાજમાં જ નહીં પરંતુ અન્ય સમાજમાં પણ ખૂબ જ પ્રચલિત છે.