- બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ
- વાપીમાં 600 કરોડના ખર્ચે 1200 મીટર લાબું સ્ટેશન બનશે
- L એન્ડ Tએ સ્ટેશનની કામગીરી શરૂ કરી
વાપી: મોદી સરકારના ડ્રીમ પ્રોજેકટ મનાતા અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ચૂકી છે. વાપીમાં 600 કરોડના ખર્ચે ડુંગરામાં અદ્યતન સ્ટેશન બનશે. આ સ્ટેશન 1200 મીટર લંબાઇનું હશે. બુલેટ ટ્રેન પ્રોજેકટ બાદ આ વિસ્તારમાં અનેકગણો વિકાસ થશે તેવી આશા સેવાઇ છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHRCL) દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં જે લોકોની જમીન-મિલ્કતોનું વળતર ચૂકવવાનું છે તે તમામને 99 ટકા વળતર ચૂકવાઈ ગયું છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે બુલેટ ટ્રેન
સુમિત દેસાઈએ બુલેટ ટ્રેન પ્રોજેકટ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરના આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદ બાદ વાપીનું રેલવે સ્ટેશન સૌથી લાંબુ રેલવે સ્ટેશન છે. જે 600 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થશે જે 1200 મીટર લાબું હશે. L&T ને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ટેન્ડર મળ્યા બાદ વાપીમાં ડુંગરા વિસ્તારમાં હાલ બુલેટ ટ્રેનના અદ્યતન સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.
વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી શરૂ ઉદ્યોગોને આ ટ્રેન પ્રોજેકટ થકી ખૂબ મોટો લાભ મળશે આગામી 3 વર્ષમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. વાપીમાં એરપોર્ટ જેવા અદ્યતન સ્ટેશનને કારણે આ વિસ્તારનો અનેકગણો વિકાસ થશે. વાપી GIDC, દાદરા નગર હવેલી અને દમણના ઉદ્યોગોને આ ટ્રેન પ્રોજેક્ટ થકી ખૂબ મોટો લાભ મળશે. વલસાડ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ 52 એકર જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાંથી 48 એકર જમીનનું એલોટમેન્ટ મળી ગયું હોય તે જમીન પર બુલેટ ટ્રેનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો:રાજ્યમાં બુલેટ ટ્રેનના જમીન સંપાદનને લઈને ફરી શરૂ થયો વિરોધનો વંટોળ
બુલેટ ટ્રેનના રૂટ પર 12 સ્ટેશનો હશે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે વધુ વિગતો જોઈએ તો NHRCL દ્વારા હાથ ધરાયેલ મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કુલ 12 સ્ટેશન છે. 508 કિલોમીટરનો બુલેટ ટ્રેન રૂટ છે. જેમાં 155 કિલોમીટર મહારાષ્ટ્રમાં, 4.3 કિલોમીટર દાદરા નગર હવેલીમાં અને 348 કિલોમીટરનો રૂટ ગુજરાતમાં હશે.
મહારાષ્ટ્રમાં 4 અને 8 સ્ટેશન ગુજરાતમાં હશે
જે મહત્વના 12 સ્ટેશનો છે. તેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર મહારાષ્ટ્રના સ્ટેશન જ્યારે વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી ગુજરાતના સ્ટેશનો હશે.
કલાકના 320 કિલોમીટરની ઝડપે દોડશે બુલેટ ટ્રેન
બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુંબઈ અમદાવાદ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર કાપશે. આ ટ્રેન ગુજરાતમાં અમદાવાદ સુધીનું અંતર 3 કલાકમાં પૂરું કરશે. શરૂઆતમાં દરેક બુલેટ ટ્રેનમાં 10 કોચ હશે જેમાં 750 પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. તે બાદ 16 કોચ અને 1,250 750 પ્રવાસીઓ વધારવામાં આવશે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં જમીનના પ્રશ્નો ઉકેલાય નહીં તો અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાછળ ઠેલાઈ શકે છે: NHSRCL
રોજની 35 બુલેટ ટ્રેન 17,900 મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડશે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રોજની 35 ટ્રેન આ રૂટ પર દોડશે. દર 20થી 30 મિનિટના સમયાંતરે એક બુલેટ ટ્રેન 750 પ્રવાસીઓને મુંબઈથી અમદાવાદ વચ્ચે પ્રવાસ કરાવશે. વાપીમાં બનનારા 1,200 મીટર લાંબા રેલવે સ્ટેશનમાં 750 પ્રવાસીઓ માટે શોપિંગ મોલ, મનોરંજક રાઈડ પોઇન્ટ સહિતની અન્ય સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે.