વલસાડઃ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્તારમાં દર વર્ષે સરેરાશ 800થી 900 લોકોને શ્વાન બચકા ભરે છે. શ્વાનના આ આતંકથી છુટકારો મેળવવા માટે કેટલાક શહેરીજનોએ અને નગર સેવકોએ રજૂઆતો કરી હતી. જેને ધ્યાને રાખી પાલિકાએ ખસીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલે વિગતો આપી હતી કે, લોકોની રજૂઆતો બાદ હાલમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. જે બાદ આગામી દિવસોમાં જેનું ટેન્ડર યોગ્ય હશે તે એજન્સીને આ કામગીરી સોંપવામાં આવશે.
વાપી પાલિકા વિસ્તારમાં 10 હજાર જેટલા રખડતા શ્વાનોની ખસીકરણ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ
દરેક શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ અસહ્ય હોય છે. જેના પર અંકુશ મેળવવા માટે વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે ખસીકરણ કામગીરી કરવામાં આવે છે. રખડતા શ્વાનોના કારણે શહેરમાં હડકવાના અને બચકા ભરવાના બનાવો ખૂબ જ વધતા હોય છે. જેને ધ્યાને રાખી વાપીમાં પણ નગરપાલિકાએ ખસીકરણ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. વાપીમાં અંદાજિત 10 હજાર સ્વાન છે.
વાપી નગરપાલિકાએ 2015માં શ્વાનોની સંખ્યા વધતી રોકવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. પાલિકાએ સ્વભંડોળથી પાલિકા હદ વિસ્તારમાંથી શ્વાનોને પકડી તેમની નસબંધી કરવાની કામગીરી હાથ ધરી હતી. પાંચ વર્ષ બાદ શહેરીજનો અને નગર સેવકોની વ્યાપક ફરિયાદો આવતા આ વર્ષે શ્વાનોની નસબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકા વિસ્તારમાં કુલ 10 હજાર શ્વાનો હોવાનો અંદાજ છે. જેમાંથી ચોમાસાની સિઝનમાં 1 હજાર શ્વાનોનું ખસીકરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, ખસીકરણ પ્રોજેકટ અંતર્ગત પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં રખડતા શ્વાનોને પકડીને પાંજરાપોળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે ખસીકરણ કરી આવા શ્વાનોની ઓળખ કરી શકાય એ માટે ડાબા કાનને V આકારમાં રાખવામાં આવશે. તો, એક શ્વાનની ખસી પાછળ અંદાજિત 850 રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જે મુજબ 1 હજાર શ્વાનોના ખસીકરણ પાછળ 10 લાખનો અંદાજિત ખર્ચ થશે.