- વલસાડ જિલ્લામાં વીજ વિભાગને પારાવાર નુકસાન
- વાવાઝોડાને કારણે ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી ભારે તબાહી
- સ્મશાનમાં લાકડા ભીના થતા ગેસ આધારિત સ્મશાનમાં મૃતદેહોને અગ્નિસંસ્કાર
વલસાડ: જિલ્લામાં વાવાઝોડાની અસર હેઠળ પારાવાર નુકસાન થયું છે. જો કે હજુ સુધી ક્યાં સેકટરમાં કુલ કેટલું નુકસાન થયું છે. તેનો સર્વે પૂરો થયો નથી. પરંતુ, વલસાડ જિલ્લામાં તૌકતે વાવાઝોડા દરમ્યાન ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી ભારે તબાહી મચી છે.
ઉમરગામ તાલુકામાં સૌથી વધુ તારાજી સર્જાઈ
જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઈને ઉમરગામ તાલુકામાં સૌથી વધુ તારાજી સર્જાઈ છે. આથી, જિલ્લામાં અનેક થાંભલા ધરાશાયી થતા સૌથી વધુ નુકસાન GEBને થયું છે. આ ઉપરાંત, ટ્રાન્સફોર્મરને પણ નુકસાન થયું છે. ઉમરગામ પંથકમાં જ 92થી વધુ પોલ ધરાશાયી થયા છે. જિલ્લામાં કુલ 500 જેટલા પોલ વાવાઝોડામાં નુકસાન પામ્યા છે. GEBના અધિકારીના જણાવ્યા મુજબ હાલ ઉમરગામમાં સૌથી વધુ નુકસાન થયુ છે. ઉમરગામમાં 2 દિવસથી 30 જેટલી અલગ અલગ ટીમ કાર્યરત કરવામાં આવી છે. આથી, જિલ્લામાં તમામ તાલુકાઓમાં સર્વે ચાલી રહ્યો છે. જે સાથે જ નવા વીજ પોલ ઉભા કરવા, તૂટેલા તારને બદલવા, ટ્રાન્સફોર્મરની ક્ષતિ સુધારવી સહિતના કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
વલસાડ જિલ્લામાં તૌકતે વાવાઝોડામાં નુકસાન આ પણ વાંચો:વલસાડ નજીક સંજાણમાં વાવાઝોડાને કારણે ભારે નુકશાન , જૂઓ વીડિયો...
બાગાયતી પાકમાં 25 ટકા નુકસાન થયું
વલસાડ જિલ્લામાં બીજા નંબરે સૌથી વધુ નુકસાન ખેતીમાં થયું છે. ખેતીમાં બાગાયતી પાક કહેવાતા કેરી, ચીકુ, નારીયેલીને વ્યાપક નુકસાન થયું છે. ખેતીવાડી અધિકારી અને બાગાયત પાક વિભાગના અધિકારી પાસેથી મળેલી વિગતો મુજબ, ઉમરગામ તાલુકામાં અને પારડી તાલુકામાં સૌથી વધુ નુકસાન થયું છે. એમાં પણ જિલ્લામાં કેરીના પાકને અને ચીકુના પાકને વધુ નુકસાન છે. હાલ, જિલ્લામાં ખેતીમાં કેટલું નુકસાન થયું છે તે અંગે 30થી વધુ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે. વલસાડ જિલ્લામાં 36000 હેકટરમાં કેરીનું ઉત્પાદન થાય છે. આથી, વાવાઝોડાને કારણે 9000 હેક્ટરમાં અંદાજિત નુકસાન થયું છે.
ભીના લાકડા પર કેરોસીન છાંટી અગ્નિસંસ્કાર
તૌકતે વાવાઝોડા દરમિયાન કોરોના મૃતદેહોને અગ્નિસંસ્કાર આપવામાં પણ આપદા ઉભી થઇ હતી. અતુલ ખાતે આવેલા હંગામી સ્મશાનગૃહમાં 44 જેટલા મૃતદેહો લાવવામાં આવ્યા હતાં. પરંતુ, ભારે વરસાદ અને પવનને કારણે માત્ર 6 મૃતદેહોને અગ્નિસંસ્કાર અપાયા હતા. જ્યારે, બાકીના મૃતદેહોને પારડી અને વાપીના ગેસ આધારિત સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં હતાં. કોરોના મૃતદેહ માટે સતત સેવા બજાવતા ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે, વાવાઝોડાના 3 દિવસ દરમિયાન લાકડા આધારિત સ્મશાનગૃહ અને મુસ્લિમ કબ્રસ્તાનમાં મૃતદેહોને અગ્નિસંસ્કાર અને દફનાવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે પૂરતા સૂકા લાકડા નહિ મળતા ભીના લાકડા પર કેરોસીન છાંટીને, ટાયર સળગાવીને અગ્નિસંસ્કાર કરવાની નોબત આવી હતી.
આ પણ વાંચો:વલસાડના નારગોલ દરિયા કિનારે ટકરાયું તૌકતે, કોઈ મોટું નુકસાન નહિ
180 જેટલા ઝાડ રસ્તાઓ પર પડ્યા
તૌકતે વાવાઝોડાને લઈને ફોરેસ્ટ વિભાગ, PWD વિભાગ પણ સતત દોડતું રહ્યું છે. ફોરેસ્ટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં રસ્તા પર 147 ઝાડ પડ્યા હતા. આથી, ફોરેસ્ટ વિભાગે કુલ 180 ઝાડને ખસેડ્યા છે. આ માટે જિલ્લામાં ઉત્તર રેન્જ, દક્ષિણ રેન્જ અને સામાજિક વનીકરણ વિભાગની ટીમ, R&Bની ટીમ તેમજ NDRFની ટીમ સાથે સતત સંકલન સાધી કાર્યરત રહ્યા હતા. હજુ પણ જંગલ વિસ્તારમાં અનેક નાનામોટા વૃક્ષો ધરાશાયી થયા છે. જેની સર્વેની કામગીરી ચાલી રહી છે. વલસાડ માર્ગ અને મકાન વિભાગની પણ 6 જેટલી ટીમોએ ઉમરગામ વિસ્તારમાંથી 9 જેટલા તોતિંગ ઝાડને રસ્તાઓ પરથી હટાવી રસ્તાઓ પર વાહનોની અવરજવર શરૂ કરાવી હતી.
ઘરોના છાપરા ઉડ્યા, ઉદ્યોગોમાં પ્રોડક્શન બંધ રહ્યું
જિલ્લામાં ઉમરગામ, પારડી સહિત કપરાડા, ધરમપુર વિસ્તારમાં ભારે પવનને કારણે કેટલાક ઘરના છાપરા ઉડ્યા હતા. ચારેક જેટલા પરિવારને અંધારી રાતમાં ખુલ્લા આકાશ નીચે વિતાવવાની નોબત આવી હતી. વાપીમાં ડુંગરી ફળિયા વિસ્તારમાં એક રૂમમાં સુતેલા 2 વ્યક્તિઓ પર બાજુના ઘરની દીવાલ પડતા એકનું મોત અને એક વ્યક્તિને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDCમાં કેટલીક કંપનીઓની ચીમની તૂટી ગઈ હતી. વીજવિક્ષેપને કારણે પ્રોડક્શન પર પણ માઠી અસર પડી હતી. પરંતુ, ઉદ્યોગોમાં આગોતરું આયોજન હોવાથી મોટી નુકસાની સહન કરવા કરતાં પ્રોડક્શન અટકાવવું વધુ સારું હોવાનું માની ઉદ્યોગ સંચાલકોએ ઉદ્યોગો બંધ રાખ્યા હતાં. તેમજ શેડમાં પતરા ઉડવા, ચીમની તૂટવી જેવી ઘટનાઓ બાદ તાત્કાલિક રીપેરીંગ કામ હાથ ધર્યું હતું. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરીના જણાવ્યા મુજબ, ઉદ્યોગોમાં આગોતરી સાવચેતીને કારણે કોઈ મોટું નુકસાન નથી થયું. જ્યારે, પ્રમુખના જણાવ્યા મુજબ વીજ પુરવઠો ખોરવાઇ જવાને કારણે પ્રોડક્શન અટકાવ્યું હતું. એટલે 2 દિવસ પ્રોડકશનની નુકસાની વેઠવી પડી હતી.
આ પણ વાંચો:તૌકતે વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લાના 125 ગામોને કરાયા એલર્ટ
દાદરા નગર હવેલી અને દમણમાં પણ અનેક ઝાડ ધરાશાયી
વલસાડ જિલ્લામાં તૌકતે વાવાઝોડામાં અનેક પ્રકારે લોકોને તબાહીના દર્શન થયા હતાં. આવા જ હાલ પાડોશી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ થયા છે. દાદરા નગર હવેલીમાં એક હોમગાર્ડનું ઝાડ નીચે દબાઈ જતા મોત થયું છે. દાદરા નગર હવેલીમાં પણ અનેક મોટા શરૂના ઝાડ ધરાશાયી થયા છે. જેના સર્વેની કામગીરી ચાલી રહી છે. દમણમાં કાંઠાવિસ્તારમાં કેટલાક ઘરોમાં નુકસાન થયું છે. જે અંગે, પણ હજી સર્વે ચાલી રહ્યો છે. ટુંકમાં તૌકતેની તબાહી ઘરથી-ખેતર સુધી, ઉદ્યોગો-જંગલથી લઈને સ્મશાન સુધી મચી છે. જેમાં ચોમાસા દરમિયાન પુરના પાણી ગામડાઓને સંપર્ક વિહોણા કરે તેમ વાવાઝોડા સાથે વરસેલા વરસાદમાં દુરસંચારની ક્ષતિએ અનેક પરિવારના લોકોને મોબાઈલ સંપર્ક વિહોણા કર્યા હતા.