સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ મૂળ સુરતના ધીપાશેરી મહિદરપુરામાં રહેતા વેપારી પિયુષ ધીરજલાલ પચીગર વાપીમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશન સામે આવેલ મહારાજા હોટેલમાં રોકાયા હતાં. જે બુધવારે અચાનક હોટેલના પાંચમા માળે હોટેલના બોર્ડ પર ચડી ગયા હતાં. તે દરમિયાન કેટલાક સ્થાનિક લોકોની ધ્યાન પડતા તેમને રોકવા અને બચાવી લેવા બુમાબુમ કરી હતી તો કેટલાક લોકોએ તેનું મોબાઈલમાં રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.
વાપીમાં સુરતના વેપારીએ હોટલના પાંચમા માળેથી લગાવી મોતની છલાંગ - પોસ્ટમોર્ટમ
વાપી: વાપીમાં બુધવારના રોજ એક હોટેલના પાંચમા માળેથી સુરતના વેપારીએ કૂદીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો હતો. આત્મહત્યા કરનાર વેપારીએ હોટલના પાંચમા માળેથી આત્મહત્યા કરી હતી તેની સામે જ પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડ હોવા છતાં વેપારીને બચાવી શકાયો ન હતાં. વેપારીની આત્મહત્યા સમયે વાપીના કેટલાંક લોકો તેને બચાવવા પ્રયાસો કરતા હતા અને કેટલાક લોકો મોબાઈલમાં વીડિયો શૂટિંગ કરતા હતાં, ત્યારે જ વેપારીએ તેઓની સામે હાથ જોડી મોતની છલાંગ લગાવી દીધી હતી.
આ તમામ વચ્ચે વેપારી અડધો કલાક સુધી બોર્ડ પર બેસી રહ્યો હતો અને તે બાદ અચાનક ઉભો થઇ લોકો સામે બે હાથ જોડી કઈંક કહેવાની કોશિશ પણ કરતો હતો ત્યાર બાદ અચાનક જ બોર્ડ પરથી નીચે કૂદી પડ્યો હતો. પાંચમા માળેથી જમીન પર પટકાતા તે મોતને ભેટ્યો હતો ત્યાર બાદ પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.
ઉલ્લેખનીય છે કે હાલ આ ઘટના પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડ સ્ટેશનની સામે જ બની હોવા છતાં વેપારીને બચાવી શકાયો ન હતો અને લોકોએ માત્ર બુમાબુમ કરી તેનું વીડિયો શૂટિંગ જ કર્યું હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં.