દર વર્ષે પોષ સુદ બીજના રોજ ચારણ-ગઢવી સમાજના ઉદ્ધારક આઈ શ્રી સોનલ માંનો જન્મદિવસ છે. ચારણ-ગઢવી સમાજ દર વર્ષે આ દિવસને સોનલ બીજ તરીકે ઉજવે છે. જે અંતર્ગત વલસાડના ધરમપુર ચાર રસ્તા પાસે શ્રી ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સોનલ બીજની ઉજવણી કરી હતી. જેમાં વલસાડ, નવસારી, દમણ અને સેલવાસમાં વસતા ચારણ-ગઢવી સમાજના લોકો ઉમળકાભેર જોડાયા હતા. સોનલ બીજ ઉત્સવમાં ખાસ ઉપસ્થિત સમાજના આગેવાનોએ સોનલ માંની આરતી ઉતારી માતાજીના ઉપદેશોને વ્યવહારિક જીવનમાં ઉતારવા, સમાજના હિત માટે આગળ આવવા જણાવ્યું હતું. આઈ શ્રી સોનલ માંએ સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા, કુરિવાજો દૂર કરવા અથાગ મહેનત કરી હતી.
33માં પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં જન્મોત્સવ પર્વમાં શ્રી ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજના વડીલોનું સ્વાગત કરી નર્સરીથી કોલેજ સુધી અભ્યાસ કરતા યુવક, યુવતીઓ ,બાળકો અને બાલિકાઓને પ્રોત્સાહિત કરી શૈક્ષણિક કીટ આપી શિક્ષણક્ષેત્ર સમાજનું નામ રોશન કરવાના આશીર્વાદ આપ્યા હતાં. સમાજના વડીલોએ તેમજ ઉચ્ચ સરકારી હોદ્દા પર ફરજ બજાવતા સરકારી અધિકારી, ધંધા રોજગાર ક્ષેત્રે જોડાયેલ સમાજના પ્રતિષ્ઠિત વેપારીઓ અને અગેવાનોનું પણ સ્વાગત કરી મહાપ્રસાદ, રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવાર સાંજની મહાઆરતીમાં ભક્તો ઉમળકાભેર જોડાયા હતા.