ગુજરાત

gujarat

By

Published : May 17, 2019, 2:16 PM IST

ETV Bharat / state

કપરાડા એસટી ડેપોમાં પીવાના પાણીની તંગી, મુસાફરોને મુશ્કેલી

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના એસટી બસમથકમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની તંગી છે. જેના કારણે અહીં આવનારા મુસાફરો માટે પીવાના પાણીની ભારે મુશ્કેલી પડી રહી છે. પાણી માટે બનાવાયેલ પરબના નળ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યાં છે.

water

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા મુખ્યમથક ઉપર ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા બનાવવામાં આવેલા એસ.ટી. બસ મથકમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની તંગી સર્જાઇ છે. અહીં બનાવાયેલા પીવાના પાણીની પરબ પાસે ચાર નળો મૂકવામાં આવ્યા છે, પરંતુ એક પણ નળમાં પીવાનું પાણી આવતું નથી. કપરાડા એસટીબસમથકનો ઉપયોગ અહીં આસપાસના ૭૦ ગામોના લોકો વલસાડ-વાપી-નાસિક-ધરમપુર આવવા જવા માટે કરે છે.

વલસાડના કપરાડામાં આવેલા બસમથકમાં પીવાના પાણીની તંગી

કપરાડા મુખ્ય હોવાને કારણે આસપાસના તાલુકા અને ગામડાઓના આદિવાસી વિસ્તારના રહીશો તેમના બાળકોને અભ્યાસ કરવા માટે કપરાડાની કોલેજ અને સ્કૂલોમાં મોકલતા હોય છે. પરંતુ જાહેર જગ્યા જ્યાં પ્રાથમિક સુવિધાઓ જરૂરી છે એ જ સ્થળ ઉપર પીવાનું પાણી જ ઉપલ્બ્ધ નથી. વળી, અત્રે શૌચાલયમાં પણ પાણીનો અભાવ છે, જેના કારણે મુસાફરી કરનારા અનેક મુસાફરો એમાં પણ ખાસ કરીને મહિલા મુસાફરોની સ્થિતિ દયનીય બની રહી છે.

બીજીતરફ એસટી બસમથકના કર્મચારીઓએ પોતાના બચાવમાં કહ્યું હતુ કે દરરોજ ટેન્કર મારફતે પાણી મંગાવવામાં આવે છે. આજે ટેન્કરને પંચર થયું હોવાના કારણે આવી શક્યુ નથી. ત્યારે અહીં મુસાફરોએ નામ ન જાહેર કરવાની અને કેમેરા વગર વાતચીતમાં જણાવ્યું કે અત્રે પાણીની સમસ્યા કાયમી થઈ ગઈ છે.

આ સમગ્ર બાબતે વલસાડ એસટી ડેપો ડીવીઝનલ મેનેજર એ ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે તેઓના દ્વારા કપરાડા એસટી ડેપોમાં દરરોજ વૈકલ્પિક રીતે એક ટેન્કર દ્વારા પાણી લાવવામાં આવે છે અને એક ટેન્કરનો ખર્ચ એક હજાર રૂપિયા જેટલો થાય છે. આ મહિનાનો ખર્ચ 30 હજાર જેટલો પહોંચે છે. પરંતુ જ્યારે આ સમગ્ર હકીકત ચકાસી તો સ્થળ ઉપર પાણી જોવા મળ્યું ન હતું અને લોકોએ પીવાનું પાણી વેચાતું ખરીદવાની ફરજ પડી રહી હતી.

ABOUT THE AUTHOR

...view details