વલસાડ: જિલ્લાના સરીગામમાં દેશના દરેક નાગરિકો વચ્ચે ભાઇચારા સાથે એકતા કાયમ રહે, સારૂ આરોગ્ય રહે, ટ્રાફિક અવેરનેસ બાબતે લોકોમાં જાગૃતતા આવે એવા ઉદ્દેશ સાથે સરીગામની રોટરી ક્લબ દ્વારા ત્રીજા રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
વલસાડના સરીગામમાં 'રન ફોર યુનિટી'ની સ્પર્ધા યોજાઇ, 890 સ્પર્ધકોએ ભાગ લીધો - Run for unity program
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામમાં રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા ત્રીજો રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર અણગામ સ્થિત એન.આર અગ્રવાલ કંપની રહી હતી. તથા મુખ્ય મહેમાનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મણિભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. દોડ સ્પર્ધામાં 890 દોડવીરોએ ભાગ લીધો હતો. જેમને ટ્રાફિક સલામતી અંગે જાગૃત કરી હેલ્મેટ અને મેડલ અપવામાં આવ્યા હતાં.
રન ફોર યુનિટી અંગે રોટરી ક્લબ ઓફ સરીગામના પૂર્વ પ્રમુખ રાકેશ રાયે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી તેઓ બે અપંગોને સહાયરૂપે ટ્રાઇસિકલ આપતા આવ્યા છે. ત્યારે રવિવારના ત્રીજી વખતના રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત પણ તેમના તરફથી બે ટ્રાઇસિકલ દાન આપી અપંગ ભાઈઓને મદદરૂપ થયા હતા.
જ્યારે કાર્યક્રમમાં મુખ્ય સ્પોન્સર એન.આર અગ્રવાલ કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જોશુઆ મધુકરે જણાવ્યું હતું કે, કંપની દ્વારા સ્વાસ્થ્ય, શિક્ષણ અને વિકાસ સંદર્ભે CSR activitiesમાં હંમેશાં મદદરૂપ રહી છે. રોટરી ક્લબ દ્વારા આયોજિત આ રન ફોર યુનિટી કાર્યક્રમને મુખ્ય સ્પોન્સરશિપ આપી મદદરૂપ થઈ કંપનીએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.
આ દોડની સ્પર્ધા દરમિયાન રસ્તા ઉપર ભિલાડ પોલીસ શાંતિ, સલામતી અને સુરક્ષાના તમામ પગલાંના ભાગ રૂપે તહેનાત રહી હતી. દોડની સ્પર્ધા પૂર્ણ કરનાર ત્રણ કેટેગરીમાંથી 20 વર્ષથી 60 વર્ષ અને અંડર 14ના નાના બાળક સહિત રોટરી ક્લબ સરીગામ દ્વારા ત્રણ ઇનામ સાથે કુલે 12 મેડલ, સર્ટીફિકેટ અને ટ્રાફિક અવેરનેસ માટે ઇનામ રૂપી હેલ્મેટ આપી દોડવીરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.