વલસાડ : જિલ્લાનો ધરમપુર તાલુકો એ વર્ષો પહેલા રામનગર અને તે બાદ ધરમપુર સ્ટેટ તરીકે ઓળખાયું. અહીં સિસોદીયા વંશના રાજવીઓનું રાજ હતું, જેઓ કલા અને સંગીતમાં ખૂબ રુચિ ધરાવતા હતા. એમાં પણ મહારાણા પ્રભાતદેવજીની સંગીત પ્રત્યે રુચિ એટલી હતી કે, આજે પણ એમની રુદ્રવીણા તેમના પૌત્ર ગૌરવદેવજી સાહેબને વગાડવાનું મહારથ વારસામાં મળ્યું છે.
ETV ભારત સાથે વિશેષ વાતચીતમાં રાજવી વંશજ અને મહારાણા પ્રભાતદેવજીના પૌત્ર ગૌરવદેવજી સાહેબે જણાવ્યું કે, રુદ્રવીણા એ માત્ર મનોરંજનનું સાધન નથી એ સાધના માટે છે, એનાથી સંગીત નહીં પણ એમાંથી નીકળતો નાદ એ સીધો આત્માને સ્પર્શે છે. રુદ્રવીણા એ ભગવાન શિવને ખૂબ પ્રિય છે અને એના ઉપર શાસ્ત્રીય સંગીતના આલાપ જેવા કે, રાગ દ્રુપદ માટે ખૂબ જ અનુકૂળ છે. ધરમપુરના મહારાણા પ્રભાતદેવજી સાહેબે પ્રથમ શિક્ષા અદિતરામજી પાસે મેળવી હતી. જેઓ એક પ્રખર બિનકાર હતા. ઉત્તરભારતમાં રુદ્રવીણાને (બિન) તરીકે ઓળખવામાં આવે છે.
મહારાણા પ્રભાતદેવજીની રુદ્રવીણા ધરમપુરના મહારાણા પ્રભાતદેવજી સાહેબને સંગીત પ્રત્યે ખૂબ રુચિ હતી. તેમણે રુદ્રવીણાની તાલીમ 1895માં ઇન્દોર ગ્વાલિયર ઘરાનાના બંદેઅલી ખાનના શિષ્યા ચુન્નાજી પાસેથી મેળવી હતી. તો તેમના ગુરૂ નાથેખાં સાહેબ તેમજ કાદરબક્ષ પણ હતા. મહારાણા પ્રભાતદેવજી ધરમપુર નજીકમાં આવેલા ગામ ટીસ્કરીમાં આવેલા તળાવ કિનારે નિર્મિત મહાદેવ મંદિરમાં સવારે 4 વાગ્યે રુદ્રવીણાની સાધના કરતા હતા. કહેવાય છે કે, તેમની સાધના સમયે મંદિરમાં ફણીધર પણ આવીને બેસતો હતો, તો બીજી તરફ એક બુલબુલ રુદ્રવિણાના અગ્ર ભાગ ઉપર આવીને બેસતી હતી.
દર ચાર વર્ષે વિવિધ સ્થળોએ મ્યૂઝિક સ્પર્ધા પણ યોજાતી અને આ સ્પર્ધા એક અઠવાડિયા સુધી ચાલતી હતી. બનારસમાં હિન્દ યુનિવર્સિટીમાં યોજાયેલી સ્પર્ધામાં તેઓ પ્રથમ રહ્યા હતા. તેમની પાસેથી અનેક શિષ્યોએ રુદ્રવીણાનું પ્રશિક્ષણ મેળવ્યું હતું. જેમાં ડોસ મહમદ ખાં સાહેબ, મોહનભાઈ બલસારા, અંબાલાલ સીતારી, મોહનલાલ કંસારા (જેઓ સુરદાસ હતા ) ચન્દ્રકાન્ત પંડ્યાનો સમાવેશ થાય છે. મહારાણા પ્રભાતદેવજી સાહેબે સંગીતની જાણકારી માટે સને 1920માં બે પુસ્તકો પણ લખ્યા છે. જેમાં સંગીત પ્રકાશ અને રાગ પ્રવેશીકાનો સમાવેશ થાય છે, તો આ સાથે એક માસિક મેગેઝીન પણ શરૂ કર્યું હતું જે યુરોપના દેશોમાં જતું હતું.
મહારાણા પ્રભાતદેવજીની રુદ્રવીણા નોંધનીય છે કે, મહારાણા પ્રભાતદેવજી સાહેબના પૌત્ર ગૌરવદેવજી આજે પણ એમના દાદા સાહેબની રુદ્રવીણા ખૂબ સુંદરતા પૂર્વક વગાડી શકે છે. રાજવીવંશ એ તેમનો સંગીતનો વારસો આજે પણ ટકાવી રાખ્યો છે અને 100 વર્ષ કરતા પણ જૂની દાદા સાહેબની રુદ્રવિણા પણ હજુ હયાત છે. મહારાણા પ્રભાતદેવજીના દીકરા રૂપદેવજી સાહેબે કેટલાક સ્મરણો પણ ETV ભારત સાથે તાજા કર્યા હતા. તેમણે કહ્યું કે, પ્રભાતદેવજી જ્યારે રુદ્રવીણા એમના ધરમપુર પેલેસમાં વહેલી સવારે સાધના કરતા તો એના સુર, બજારમાં આવતા જતા લોકો સાંભળવા માટે ઉભા રહી જતા હતા.