- આદિવાસી વિસ્તારમાં રહેતા યુવક-યુવતીઓને સૈન્યમાં જવા માર્ગદર્શન શારીરિક તાલીમ આપી રહ્યા છે માજી સૈનિક
- અત્યાર સુધીમાં 5000 થી વધુ યુવક-યુવતીઓ મેળવી ચુક્યા છે ટ્રેનિંગ
- માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ચલાવવામાં આવે છે પ્રિ-મિલિટરી ટ્રેનિંગ કૅમ્પ
- આદિવાસી યુવક- યુવતીને દેશ સેવા માટે સરહદે જવા માટે માજી સૈનિક સેવા ફાઉન્ડેશન કરાવી રહ્યું છે તમામ તૈયારી
વલસાડ: દેશસેવા માટે દેશની સરહદ ઉપર દિવસ- રાત કે કોઈપણ ઋતુની પરવા કર્યા વિના દેશના વીર જવાનો સતત ખડે પગે સેવા બજાવે છે. આજે સમગ્ર ભારત 75 મા સ્વાતંત્ર્ય પર્વ (75th Independence Day) ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દેશની સેવા કાજે સરહદ ઉપર જવા સૈન્યમાં પોતાની કારકિર્દી બનાવવા માટે વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારના આદિવાસી યુવાનો પણ થનગની રહ્યા છે. આવા યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ અને જાણકારીનો અભાવ હોવાને કારણે તેઓ દેશ સેવા કાજે જઈ શકતા નથી. આવા સમયે આવા યુવક- યુવતીઓ માટે વિશેષ જાણકારી અને શારીરિક અને માનસિક પ્રશિક્ષણ આપીને યુવક-યુવતીઓને તૈયાર કરવા માટે દેશની સેવામાંથી ફરજ મુક્ત થયેલા અને નિવૃત્ત થયેલા માજી સૈનિકો (Retired Army personnel) દ્વારા વિશેષ પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે. જેના દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ યુવક-યુવતીઓને પ્રિ-મિલેટ્રી ટ્રેનિંગ આપવામાં આવી છે.
સેનામાં રહી પાંચ જેટલા મેડલ મેળવનારા ઉત્તમ કુંવર દ્વારા આપવામાં આવી રહી છે તાલીમ
માજી સૈનિક ઉત્તમ કુંવરે etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું કે, તેઓ 1988 માં ઇન્ડિયન આર્મી (Indian Army) માં જોડાયા હતા. અત્યાર સુધીમાં તેમણે સાઉથ આફ્રિકાના એંગોલા ખાતે થયેલા આ રમખાણમાં UN ની શાંતિ સેનામાં રહીને સેવાકીય કામગીરી બજાવી હતી. જે બદલ તેમને વિશેષ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો સાથે સાથે પંજાબમાં આતંકવાદ શરૂ થયો તે સમયથી તેમણે ત્યાં ફરજ બજાવી હતી. તે બદલ પણ તેમની ફરજ નિષ્ઠાને ધ્યાને રાખી મેડલ આપવામાં આવ્યો હતો. કારગિલના યુદ્ધ દરમિયાન રાજસ્થાનમાં તેમણે સૈન્યમાં રહી ફરજ બજાવી હતી. આમ 2005 માં તેઓ તેમાંથી નિવૃત્ત થયા હતા, ત્યારે તેમની પાસે ૫ થી ૭ જેટલા મેડલો હતા. તેમના દ્વારા હાલ યુવક- યુવતીઓને સેના માટે તૈયાર કરવાની તાલીમ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દેશ સેવાની અનોખી સુવાસ, પાલનપુર મોટા ગામે દરેક ઘરમાં છે એક જવાન