વલસાડ: જિલ્લાના છરવાડા ગામ નજીકથી પસાર થતા કોસ્ટલ હાઇવે ઉપર દોડતી રેતી ભરેલી ટ્રકો સામે 9 ગામના લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. 25 જેટલી ટ્રકોને સ્થાનિકોએ ઘેરો કરી અટકાવી દેતા વાતવરણ તંગ બન્યું હતું. લોકોની માંગ હતી કે, રેતી ભરેલી ટ્રકોને કારણે અનેક અકસ્માતો થયા છે અને દરિયાઈ પાણી ભરેલી રેતી લઈ દોડતી ટ્રકોમાંથી રોડ ઉપર પાણી પડતા લોકોને સ્લીપ થવાના અને રોડ ખરાબ થવાના બનાવો વધી રહ્યા છે.
વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા ગામો દાંતી કકવાડી, છરવાડા, દાંડી, ધરાસના, ભાગલ, ઉમારસાડી, માલવણ, ઉટડી, જેવા ગામોમાં અંદાજીત 45,000ની વસ્તી છે, કોસ્ટલ હાઇવે એ મુખ્ય માર્ગ છે, જેના ઉપરથી દોડતી બેફામ ટ્રકો સ્થાનિકો માટે અગાઉ પણ જોખમી બની છે. અનેક અકસ્માતો થયા છે. જેથી 9 ગામના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને લોકોએ ઘેરો કરી રેતી ભરી બેફામ દોડતી 25 ટ્રકો અટકાવી દીધી હતી.