વલસાડઃ વાપી સુધરાઈ દ્વારા છેલ્લા એક સપ્તાહથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં પાલિકાએ શાકભાજી માર્કેટ, મુખ્ય બજાર માર્ગ સહિતના 4 જેટલા મુખ્ય ટ્રાફિકથી ધમધમતા માર્ગ પરના લારીગલ્લાનાં દબાણો દૂર કર્યા હતાં. આવા દબાણોથી ટ્રાફિક અને લોકોને થતી કનડગત દૂર કરવા હાલ સખ્તાઈ અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
વાપી સુધરાઈ વિસ્તારમાં મુખ્ય શાકભાજી માર્કેટ, બજાર રોડ પર દુકાનદારો દ્વારા તેમજ લારી ગલ્લાનાં વેપારીઓ, શાકભાજીના વેપારીઓએ દબાણ કરી અને લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી હતી. એ ઉપરાંત ટ્રાફિકને કારણે ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ જેવા બનાવો પણ બનતા હતાં, ત્યારે આવા બનાવોથી છુટકારો મેળવવા વાપી સુધરાઈએ દબાણ હટાવ કામગીરી હાથ ધરી છે.