ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે ધરમપુરની લીધી મુલાકાત, પાણી પૂરૂ પાડવા આપ્યા આદેશ - gujaratinews

વલસાડ: માર્ચ માસ શરૂ થતાની સાથે જ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના કેટલાક ગામોમાં પીવાના પાણીની અછતની સ્થિતી સર્જાય છે. જેને લઇને લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. આ સમસ્યા દર વર્ષે ઉદ્ભવે છે, પરંતુ સમસ્યાનું ચોક્કસપણે નિરાકરણ લાવવા આજદિન સુધી ના તો કોઈ રાજકીય અગ્રણી આગળ આવ્યું છે કે, ના કોઈ પ્રધાન આ ગામમાં જોવા આવ્યા છે.

વલસાડ

By

Published : May 17, 2019, 6:26 PM IST

પાણીની અછતને લઇને લોકો પરેશાન થઇ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી પાણી માટે વલખા મારતા ગામના લોકોની પોકારને લઈને આજે કપરાડા તાલુકાના સુથારપાડા ગામે રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે મુલાકાત લીધી હતી. તો તેમની સાથે પાણી પુરવઠા વિભાગના ઇજનેર અને તેમની ટીમ પણ જોડાઈ હતી. તો રમણલાલ પાટકરે પુરવઠા વિભાગની ટીમને જરૂરી પગલા ભરી વૈકલ્પિક રીતે પાણી પૂરું પાડવા આદેશ આપ્યો હતો.

રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે ધરમપુરની લીધી મુલાકાત, પાણી પૂરૂ પાડવા આપ્યા આદેશ

ઉનાળો આવતા જ ધરમપુરના 33 ગામો અને કપરાડા તાલુકાના 37 જેટલા ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. જો કે, આ વર્ષે પણ આ જ સ્થિતિ ઉદ્ભવી છે, જેને પહોંચી વળવા માટે તંત્ર હરકતમાં આવ્યું છે. પરંતુ તંત્ર હજી પણ લોકો સુધી પાણી પહોંચાડવામાં અસમર્થ રહ્યું છે. આવી પરિસ્થિતીમાં રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસના પ્રધાન રમણલાલ પાટકરે કપરાડા તાલુકાના સુથારપાડા ગામે 14 જેટલા ગામના સરપંચો સાથે બેઠક યોજી હતી. ગામવાસીઓની સમસ્યાઓ સાંભળી હતી.જો કે, આ મુલાકાત અને બેઠક દરમિયાન તેમણે વલસાડ જિલ્લા પાણી પુરવઠાના ઇજનેર કલ્પેશભાઈને પણ ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. તેમની સમક્ષ જ આ તમામ ગામના સરપંચોએ રજૂઆત કરી હતી અને ત્યાં તાત્કાલિક ધોરણે વૈકલ્પિક રીતે ટેન્કર દ્વારા પાણી પહોંચતું કરવા માટે રમણલાલ પાટકર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે આ અંગે જણાવ્યું હતું કે, સ્થાનિક કક્ષાએ લોકોને પડેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે મુખ્યપ્રધાનના આદેશથી તમામ રાજ્ય કક્ષાના પ્રધાનોએ જે તે વિસ્તારની મુલાકાત લેવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ સૂચનને આધારે તેઓએ કપરાડા તાલુકાના સુથારપાડા ગામની મુલાકાત લીધી હતી અને ત્યાંના 14 જેટલા સરપંચો સાથે તેમની સમસ્યાઓની ચર્ચા પણ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સમસ્યાને પહોંચી વળવા માટે હાલ સરકારી તંત્રને સૂચન કરવામાં આવ્યું છે અને હાલના તબક્કે ધરમપુર તાલુકાના 37 ગામોમાં ટેન્કરોથી પાણી પહોંચતું કરવામાં આવી રહ્યું છે. કપરાડા તાલુકાના 33 ગામોમાં 47 જેટલા ટેન્કરો મારફતે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. તેમજ આજે વધુ 14 જેટલા ગામોમાં પાણી પહોંચતું કરવા માટે ફરિયાદો આવી છે જેનું પણ નિરાકરણ લાવવા પ્રયત્ન કરવામાં આવશે.

આ અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે, સમગ્ર દિવસ દરમિયાન માત્ર એક જ ટેન્કર તેમના ગામમાં પીવાનું પાણી લઇને આવે છે. એક જ ટેન્કરમાં 2000 લીટરની બે ટાંકીઓ હોય છે, ત્યારે એક ફળિયાની અંદર 700થી 800 લોકો રહે છે. તો આ ટેન્કરમાંથી સમગ્ર દિવસ દરમિયાન 4000 લિટર જેટલું પાણી આપવામાં આવે છે. સ્થાનિક લોકોએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી તંત્ર દરેક ગામમાં માત્ર 4,000 લિટર જેટલું પાણી પૂરું પાડીને સંતોષ માની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details