- નારાજ કાર્યકરોને મનાવવામાં આવશે
- દરેક કાર્યકર ભાજપનો જ કાર્યકર
- 90 ટકા બેઠક સાથે જીત મેળવીશું
વલસાડ: જિલ્લામાં હાલ ભાજપના કાર્યકરોમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં નારાજગી ફેલાઈ છે. કેટલાકે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ભાજપના મોવડીઓએ આ ડેમેજ કન્ટ્રોલ કરવા માટે બેઠકોનો દૌર શરૂ કર્યો છે. આ અંગે ઉમરગામના ધારાસભ્ય અને રાજયકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું કે, નારાજ થઈ અપક્ષમાં ઉમેદવારી નોંધાવનારા કાર્યકરો ભાજપના જ કાર્યકરો છે. આ ચિત્ર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે સ્પષ્ટ થઈ જશે.
કાર્યકરોની નારાજગીથી પક્ષને નુકસાન નહીં થાય
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ નહીં મળતા કેટલાક નારાજ કાર્યકરોએ અપક્ષમાં ફોર્મ ભર્યાં છે, ત્યારે આ નારાજગીથી પક્ષને કોઈ નુકસાન નહીં થાય તેવું ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને રાજય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું.
ટિકિટ નહીં મળતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી
પાટકરે પક્ષના કાર્યકરોની નારાજગીને ડેમેજ કન્ટ્રોલ કરવા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 25 વર્ષથી ભાજપનું શાસન છે. વિકાસના મુખ્ય નિર્ધાર સાથે અનેક પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે. રામ મંદિર નિર્માણનો પ્રશ્ન ઉકેલી નાંખ્યો છે. કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ છે. પ્રજાલક્ષી કાર્યો કરવાની ભાવના છે. એટલે અતિ ઉમંગ અને ઉત્સાહમાં ટિકિટ નહીં મળતા કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.