વાપી નજીક મોરાઈ ખાતે બુધવારે 12 વાગ્યા આસપાસ વાયુવેગે સમાચાર ફેલાયા કે ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે અને મોટી જાનહાની થઈ છે. જો કે આ સમાચાર અંગે જ્યારે મોરાઈ ફાટક પર જઈ ખરાઈ કરતા માલુમ પડ્યું હતું કે આ રેલવેની મોક ડ્રિલ હતી અને રેલવેના અધિકારીઓ કેટલા સજાગ છે. તેની જાત માહિતી મેળવવા ગુપ્ત રીતે મોક ડ્રિલ યોજાઈ હતી.
અધિકારીઓ દોડે છે કે કેમ? વાપીમાં ટ્રક અને ટ્રેન વચ્ચે અકસ્માતના નામે મોકડ્રિલથી તપાસ હાથ ધરાઈ.. - વાપીમાં અકસ્માત
વાપીઃ મોરાઈ ફાટક પાસે એક માલગાડી ટ્રેને એક ટ્રકને અડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટના બાદ તાત્કાલિક વાપી રેલવે સ્ટેશન, ઉદવાડા રેલવે સ્ટેશનના અધિકારીઓ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આ સમગ્ર ઘટના રેલવે વિભાગ દ્વારા કોન્ફિડેન્શિયલ મોક ડ્રિલ હતી. જે રેલવેના સિનિયર સેફટી ડિવિઝનલ ઓફિસર તરફથી હાથ ધરવામાં આવી હતી.
આ મોક ડ્રિલમાં રેલવેના અધિકારીઓ કેટલા સજાગ છે. અને આવી કોઈ ગંભીર ઘટના બને તો કેટલી મિનિટમાં પહોંચી શકે છે. તેની વિગતો મેળવવામાં આવે છે. આજની મોક ડ્રિલ ખુબજ સારી રહી હતી અને રેલવે વિભાગના અધિકારીઓને ઘટનાની જાણ મળતા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમાં 108ને પણ તાત્કાલિક જાણ કરી દીધી હતી.
મોક ડ્રિલ અંગે ઉદવાડાના સ્ટેશન માસ્તરે જણાવ્યું હતું કે અમને પણ પહેલા અકસ્માતની જાણકારી મળતા તાત્કાલિક ધોરણે જરૂરી સામગ્રી સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યાં જાણવા મળ્યું હતું કે આ મોક ડ્રિલ હતી. જેમાં રેલવેના સિનિયર સેફટી ડિવિઝનલ ઓફિસર સાહિતની ટીમ સામેલ હતી. જે સુપેરે પાર પડી હતી.
ઉલ્લેખનીય છે કે, રેલવેની આ મોક ડ્રિલને કારણે રેલવે ફાટક મોરાઈ પાસે અને નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જે એકાદ કલાક બાદ હળવો થયો હતો. તો, અકસ્માત સમજી મોરાઈ ફાટક પાસે મદદ માટે કે અકસ્માત ને નિહાળવા આવેલા લોકો એપ્રિલ ફૂલ બની મરક મરક હંસતા પરત રવાના થયા હતાં.