વલસાડઃ રામેશ્વર મહાદેવ મંદિર વલસાડ જિલ્લામાં ખૂબ આસ્થા ધરાવે છે. વળી અહીં નીકળતા પાણીના ઝરણાંને ગંગાજી તરીકે ઓળખવામાં આવતા ગંગાજીનો મેળો તરીકે શિવરાત્રીનો મેળો જાણીતો છે, શિવરાત્રી ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મેળાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
શિવરાત્રી નિમીત્તે રામેશ્વર મહાદેવ મંદિરે મેળાની તૈયારીઓ શરુ પલસાણા ગામે નદીના તટ ઉપર આવેલ સ્મશાન નજીકમાં ભગવાન રામેશ્વરનું પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં વડ અને ઉંમરના ઝાડ નીચે સદીઓથી પાણીનું ઝરણું વહે છે, અહીં એક માન્યતા છે કે, રામાયણ સમયે જ્યારે માતા સીતા અને રામ અહીંથી પસાર થતા હતા. ત્યારે સીતાજીને તરસ લાગતા શ્રીરામે અહીં બાણ મારતા પાણીનું ઝરણું નીકળ્યું હતું, તે પાણી આજે પણ વડના ઝાડ નીચેથી વહી રહ્યું છે અને ત્યાં જ રામેશ્વર ભગવાનનું મંદિર છે, જ્યાં દર શિવરાત્રીએ ભવ્ય મેળો લાગે છે. જોકે, અહીં અનેક રિનોવેશન કાર્ય શરૂ કરી મંદિરની આસપાસમાં કાયાકલ્પ શરૂ કરવામાં આવ્યું છે. મંદિર પટાંગણમાં પેવર બ્લોક તેમજ ત્રણ મઢુલી બનાવવામાં આવી છે. વળી જ્યાં ગૌમુખ છે એ સ્થળે વિશેષ કુંડ બનાવવામાં આવ્યા છે. મંદિર નજીક તર્પણ વિધિ માટે વિશેષ હોલ બનાવાયો છે, જ્યાં રોજિંદા અનેક લોકો મૃતકની તર્પણ વિધિ માટે આવે છે, આમ મંદિર નજીક કાયાકલ્પને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શિવરાત્રીના તહેવારને હાલ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અહીં અનેક દુકાન, સ્ટોલ લાગી ચુક્યા છે, અંદાજિત 3000 જેટલા નાનામોટા સ્ટોલ અહીં મેળામાં લગાવવામાં આવે છે, સાથે જ અનેક જાતની રાઇડસના સાધનોનું ફિટિંગ કરવામાં આવી રહ્યું છે.