વલસાડ: આગામી તારીખ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે. જેના ઉપલક્ષ્યમાં ધરમપુર ખાતે વર્ષોથી ગાંધી વિચારધારા સાથે સેવાકીય કામગીરી કરતી સંસ્થા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગાંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.જે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષી ગાંધીજન યાત્રા આવધા ગામેથી નીકળી પદયાત્રા વિલ્સન હિલ ગુંડિયા થઈ 1 ઓક્ટોબરના રોજ ખોબા આશ્રમ ઉપર પહોંચશે.
ધરમપુરમાં ગાંધી જયંતી નિમિતે ત્રણ દિવસીય અનોખી ગાંધી પદયાત્રા નીકળશે - ગાંધી જયંતિ
આગામી 2 ઓક્ટોબરના રોજ આવી રહેલી ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર ધરમપુર ગાંધીમય બનશે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સેવાકીય કામગીરી કરતા લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વાર ત્રિ દિવસીય જન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં ગાંધી વિચારો મૂલ્યોને લોકો સમક્ષ મુકવા માટે અનોખી પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેબીનાર, સ્વચ્છતા અભિયાન, ઉકાળા વિતરણ જેવી વિવિધ પ્રવૃતિ ઓનું આયોજન કરવામાં આવશે.
આ પદયાત્રા દરમિયાન લોકો માટે ઉકાળા વિતરણ તેમજ કોરોનાથી લોકોને જાગૃત કરવા માટે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે. માર્ગમાં આવતા ગામોમાં ગાંધી વિચારધારા માટે સ્વચ્છતા અભિયાન વિલસન હિલ ખાતે યોજાશે, તેમજ દરેક ગામોમાં પાણી બચાવો અંગેની સમજ આપવામાં આવશે. લોકો ગાંધી વિચારોને જાણે તેના મૂલ્યો સમજે એ માટે વેબીનાર સાથે સાથે ગાંધી લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તો આ સાથે સમગ્ર ધરમપુરમાં વિવિધ દુકાનો ગાંધી વિચારો સાથે બેનરો લાગાવામાં આવશે. આમ ત્રણ દિવસ નિકળનારી પદયાત્રા માટેની પૂર્વ તૈયારી કરવામાં આવી રહી છે. યાત્રામાં મેડિકલ ટીમ તેમજ સાથે અનેક અગ્રણીઓ ગાંધીવાદીઓ જોડાશે.