વલસાડ: પારડી શહેરમાં ઘણા સમયથી ગેરકાયદેસર ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવી રહ્યાં હોવાની બૂમ ઉઠી રહી હતી. શનિવારે પારડીના પોલીસ સ્ટેશનના પીઆઇ ઝાલાએ બાલાખાડી નવજીવન સોસાયટી ખાતે ચાલતા ટ્યુશન ક્લાસ પર છાપો માર્યો હતો. જેમાં ટ્યૂશન કલાસના સંચાલક રાકેશ બળવંત 30 જેટલા બાળકોને સોશિયલ ડિસ્ટન્સની જાળવણી વગર બેસાડી તેમના આરોગ્યને જોખમમાં મૂકીને ક્લાસ ચલાવતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.
પારડીમાં સોશિયલ ડિસ્ટન્સની એસી કી તેસી, ટ્યુશન ચલાવતો શિક્ષક ઝડપાયો - પારડીના પોલીસ સ્ટેશનના પીઆઇ
પારડીમાં છેલ્લાં કેટલાક સમયથી ગેરકાયદે ટ્યુશન કલાસ ચલાવવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. હાલમાં જ્યાં કોરોના જેવી બીમારીનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે કોઈપણ ટ્યુશન કલાસ ચલાવવા ઉપર પ્રતિબંધ છે. તેમ છતાં પારડીના બાલાખાડી નવજીવન સોસાયટીમાં ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવી રહ્યાં હોવાની બાતમી મળતા ટ્યુશન કલાસ ઉપર પોલીસે છાપો માર્યો હતો અને શિક્ષકને રંગે હાથે ઝડપી લીધો હતો.
પોલીસ જ્યારે શિક્ષકના ઘર ઉપર પહોંચી ત્યારે તે 30 જેટલા બાળકોને એક સાથે બેસાડીને ટ્યુશન ચલાવી રહ્યો હતો. શિક્ષકે પોતાનો લૂલો બચાવ કરતા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, આજે પ્રથમ દિવસે જ આ બાળકોને બોલાવ્યા છે અને એ પણ ઓનલાઇન શિક્ષણ કેવી રીતે મેળવવું તે અંગે માહિતી આપવા બોલાવ્યા છે.
મહત્વનું છે કે, હાલ તો પોલીસે સોશિયલ ડિસ્ટન્સના ભંગ અને ગેરકાયદેસર ટ્યુશન ક્લાસ ચલાવવા તેમજ કલેક્ટરના જાહેરનામાનો ભંગ અંગેની પોલીસ ફરિયાદ શિક્ષક સામે નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની અચાનક પડેલી રેડને કારણે ગેરકાયદેસર રીતે ચાલતા અન્ય ટ્યુશન ક્લાસીસના શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાયો છે.