વાપી : વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા અને સેક્રેટરી સતીશ પટેલ દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ જવાનોના સ્વાસ્થ્ય માટે 1 લિટરની 500 હેન્ડવોશની બોટલ સુપ્રત કરી હતી.
લૉકડાઉનમાં પ્રજાની સેવા કરતા પોલીસ જવાનોને VIA દ્વારા સેનિટાયઝરની બોટલ આપી કામગીરીને બિરદાવી
કોરોનાના કહેર વચ્ચે સાચા હીરો બની ઉભરી રહેલા પોલીસ જવાનો માટે વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) આગળ આવ્યું છે. VIA દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ મથકમાં 1 લિટરની 500 હેન્ડવોશની બોટલ આપી તેમના સ્વાસ્થ્યની કાળજી લઈ કોરોના કહેર વચ્ચે બજાવાતી ફરજને બિરદાવી છે.
VIA પ્રમુખ અને સેક્રેટરીએ વાપી GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. કામલિયાને આ તમામ બોટલ સુપ્રત કરી તમામ પોલીસ જવાનોના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. લૉકડાઉન, કોરોના વચ્ચે જે રીતે પરિવારને ભૂલી પ્રજાની સેવામાં ખડે પગે ફરજ બજાવી રહ્યાં છે, તે માટે આભાર માની સમાજના સાચા હીરો તરીકે બિરદાવ્યા હતાં.
કોરોના કહેરના વચ્ચે લાગુ કરાયેલા 21 દિવસના લૉકડાઉનમાં લોકોને ઘરમાં રહેવાની ફરજ પાડવા જિલ્લાની પોલીસ ખડેપગે છે. ત્યારે, કોરોનાના સૌથી મોટા કેરિયર પોલીસ જવાનો ના બની જાય તે માટે અનેક સંસ્થાઓ અને સરકાર પોલીસ જવાનો માટે જરૂરી સ્વાસ્થ્યની સામગ્રી પુરી પાડી રહી છે. કોરોના મહામારી દરમ્યાન દેશના સાચા હીરો તરીકે ઉભરી આવેલા આ પોલીસ જવાનો માટે વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) પણ આગળ આવ્યું છે. અને વલસાડ જિલ્લાના પોલીસ જવાનોની ફરજને બિરદાવી છે.