- ભાગી રહેલા આરોપીને પકડવા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો
- પકડાઈ જવાના ડરથી પીકઅપ વાનમાંથી કર્યો પથ્થરમારો
- કપરાડાના PSIએ સ્વબચાવમાં 2 રાઉન્ડ કર્યું ફાયરિંગ
વલસાડ: આજે મંગળવારે વહેલી પરોઢિયે ચાર વાગ્યાની આસપાસમાં પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા એક ગામમાંથી પીકઅપ વાનમાં બે ગાય ચોરી કરીને તસ્કરો જતા હોવાની બાતમી નાનાપોઢા પોલીસની મોબાઈલ વાનને મળતાં તેમણે બાતમી વાડી પીકઅપનો પીછો કર્યો હતો. જો કે, તે પીકઅપ નાનપુરા પોલીસ સ્ટેશનની હદ છોડી કપરાડા પોલીસ મથકના હદ વિસ્તારના એક ગામમાં પ્રવેશ કરતાં પોલીસની મોબાઇલ વાને કપરાડાના PSIને જાણકારી આપવામાં આવતા PSI અને તેમની ટીમ પણ અન્ય એક પોલીસ મોબાઇલ લઇને ફિલ્મી ઢબે ગૌ તસ્કરોનો પીછો કર્યો હતો.
પોલીસની જીપ પર પથ્થરમારો
પોલીસ પીકઅપ વાનને પકડી લેશે તેવું સમજીને અજાણ્યા શખ્સોએ પોલીસની જીપ ઉપર પથ્થરો માર્યા હતા. પથ્થરમારો થતાં પોલીસના જીપની આગળના કાચ અને કાચની ઉપર આવેલી જાળીને નુકસાન પહોંચ્યું હતું. ગૌ તસ્કરોએ પોલીસના માણસો અને પોલીસના વાહનો પર પીકઅપ વાન ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે સ્વબચાવમાં કપરાડાના PSIએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેના પગલે ગૌ તસ્કરો ફરાર થઈ ગયા હતા.