વલસાડઃ ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છીરી ગામમાંથી ઈન્ડિયન ગેસના આધાર પુરવા વગરના સિલીન્ડર્સ મળી આવ્યા છે. આ અંગે ડુંગરા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ, છીરી પોલીસ ચોકી નજીક એક શંકાસ્પદ ટેમ્પોમાં પોલીસે બાતમી આધારે ચેકિંગ કરતા ટેમ્પોમાં ભારત ગેસ અને ઈન્ડિયન ગેસ એજન્સીના ખાલી તથા ભરેલા સિલિન્ડર મળી આવ્યાં હતાં.
વાપીના છીરીમાંથી પુરાવા વગરના ગેસ સિલિન્ડર મળ્યાં, પોલીસ ફરિયાદ - ઈન્ડિયન ગેસ
વાપી તાલુકાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છીરી ગામમાંથી ડુંગરા પોલીસે ભારત ગેસ અને ઈન્ડિયન ગેસના આધાર પુરાવા વગરના 123 સિલિન્ડર મળી આવ્યાં છે. પોલીસે આ સિલિન્ડર અને ટેમ્પો મળી કુલ 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસે ટેમ્પો ચાલક ઉપેન્દ્ર જગન્નાથ ભારતીની પૂછપરછ કરી હતી. જેની પાસે આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેના કારણે આ ઈસમને અટકમાં લઈ ડુંગરા પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગરના ગેસ સિલિન્ડરની કાળા બજારી કરતા ઈસમ વિરૂદ્ધ CRPC 41/1D મુજબ ગુનો નોંધી ટેમ્પો નંબર DN-09-A-9003માંથી ભારત ગેસના 19 કિલોના ખાલી, 35 ભરેલા સિલિન્ડર અને ઈન્ડિયન ગેસના 19 કિલોના ભરેલા, 88 ખાલી બાટલા મળી કુલ 123 બાટલાની 1.63 લાખની કિંમત અને ટેમ્પોની 2 લાખ કિંમત મળી કુલ 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.