- વાપી ડુંગરા વિસ્તારમાં વધી રહેલા ક્રાઇમને લઇ પોલીસે કોમ્બીંગ હાથ ધર્યું
- ડુંગરા વિસ્તારમાં બહારથી આવેલા પરપ્રાંતિયોના ક્રાઇમ રેકર્ડની ચકાસણી કરાઇ
- અચાનક પોલીસે કરેલા કોમ્બીંગને લઇને અસામાજીક તત્વોમાં ફફડાટ
વાપી : ડુંગરા વિસ્તારમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલા, વાપી વિભાગના DYSP વીરભદ્રસિંહ જાડેજા અને ડુંગરા પોલીસ મથકના PSI જે.વી.ચાવડા તથા PSI એલ.જી.રાઠોડ દ્વારા 200 પોલીસ કર્મીઓ સાથે કોમ્બીંગની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં બહારથી આવી ડુંગરી ફળિયા વિસ્તારમાં વસતા પરપ્રાંતિયોના ક્રાઇમ રેકર્ડની ચકાસણી કરવામાં આવી હતી.
આ કોમ્બીંગમાં પોલીસે શંકાસ્પદ શખ્સો સામે અગાઉ કોઇ ગુનો નોંધાયો છે કે કેમ તેમજ આધાર-પુરાવા અંગેની માહિતી મેળવી હતી. ડુંગરી ફળિયામાં 40 જેટલી ચાલીઓના 500 રૂમમાં રહેતા વ્યક્તિઓ પાસેથી આ માહિતી મેળવી પોલીસે લાયસન્સ કે આરસી બુક વગરના કુલ 36 વાહનોને વાહન અધિનિયમ મુજબ કબજે કર્યા હતા. ડુંગરા વિસ્તારમાં અચાનક પોલીસના કાફલાને જોઇ અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.