વલસાડઃ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ઓછા વરસાદ બાદ મેઘરાજાએ કૃપાદ્રષ્ટિ વરસાવતા 100 ટકા વરસાદ નોંધાયો છે. જેને લઈને ખેડૂતોએ પણ મબલખ પાકનું વાવેતર કર્યું છે. વલસાડ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ જિલ્લામાં આ વર્ષે 98 ટકા વાવેતર થયું છે અને સૌરાષ્ટ્ર જેવી કોઈ તારાજી ફેલાઈ નથી. અહીં મુખ્યત્વે ડાંગરની ખેતી કરવામાં આવે છે. જેને પુષ્કળ પાણીની જરૂરિયાત રહેતી હોય છે. એ ઉપરાંત શાકભાજી, કઠોળ અને ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.
ગત વર્ષે ચોમાસાની સીઝનમાં વલસાડ જિલ્લામાં કુલ 1,02,387 હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વખતે 99,132 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં જિલ્લાના 6 તાલુકા ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વલસાડ અને વાપીના ચોમાસુ ખેતી આધારીત વિસ્તારમાં કુલ 71,124 હેક્ટરમાં ડાંગર, 2,135 હેક્ટરમાં નાગલી-રાગી જેવા અન્ય ધાન્ય પાકનું વાવેતર થયું છે. કઠોળમાં અહીં તુવર, અડદ અને ચોળા-વાલનું વાવેતર થાય છે. જેમાં તુવેર 7388 હેક્ટરમાં, અડદ 5613 હેક્ટરમાં, ચોળા 349 હેક્ટરમાં, વાલ 1030 હેક્ટરમાં તેમજ અન્ય કઠોળનું 1371 હેક્ટરમાં વાવેતર થયું છે.