વલસાડ: કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જનમન અભિયાન અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ટીબી, ફેફસાંને લગતા રોગો, ચામડીને લગતા રોગો, સ્ત્રી રોગોના નિષ્ણાત, જનરલ સર્જન દાંતના ડૉક્ટરો, હાડકાના ડોકટરો સહિત બાળરોગ નિષ્ણાત તબીબોએ ઉપસ્થિત રહી સેવાકીય કામગીરી બજાવી હતી. કપરાડા તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા લોકોએ પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી.
વલસાડમાં જનમન અભિયાન અંતર્ગત 7 સ્થળે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન - Sarvarog Diagnosis Camp in valsad
વલસાડમાં જનમન અભિયાન અંતર્ગત જિલ્લાના સાત જેટલા સ્થળો પર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ વહેલી સવારથી પોતાના રોગોનું નિદાન કરાવ્યું હતું. જેને અનુલક્ષી કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સર્વરોગ નિદાન કેમ્પનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, દાંત રોગ નિષ્ણાંત સહિતના તબીબોએ પોતાની સેવા બજાવી હતી.
જોકે, કોરોનાની મહામારી હોવા છતાં પણ લોકો સરકારી નિયમ સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ઉદઘાટન કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત ગુલાબભાઈ રાઉત નાનાપોંઢા સરપંચ શારદાબેન મુકેશભાઈ પટેલ તેમજ નાનાપોંઢાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લાના સિવિલ હોસ્પિટલ પારડી સામુહિક આરોગ્ય કેન્દ્ર, છીરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધરમપુર સ્ટેટ હોસ્પિટલ નાનાપોંઢા સામુહિક આરોગ્ય કેન્દ્ર, સરીગામ સરકારી હોસ્પિટલ અને ઉમરગામની સરકારી હોસ્પિટલમાં સર્વરોગ નિદાન કેમ્પનું એકસાથે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના રોગોની તપાસ કરાવી હતી.