વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામમાં કેરી માર્કેટમાં ગ્રામ પંચાયત અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પારડીના સહયોગથી એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉનના સમયમાં જરૂરિયાત મંદ લોકોને ઉભી થતી લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બ્લડ બેંકમાં પણ લોહીની અછત વર્તાઈ રહી છે, ત્યારે દરેક ગ્રામ પંચાયતો અને વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને પગલે આ લોહીની માગને પહોંચી વળવાના હેતુથી પારડી તાલુકાના રોહિણા ખાતે કેરી માર્કેટમાં વલસાડ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્ટનું પાલન કરતા વલસાડ બ્લડ બેંકની મોબાઈલ વાનમાં રક્તદાન શિબિર યોજાયું હતું.
પારડીના રોહીણા ગામે રક્તદાન શિબિરનું આયોજન - ભાજપ યુવા મોરચા
પારડી તાલુકાના રોહિણા ગામે લોકડાઉન વચ્ચે લોહીની માંગને પહોંચી વળવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત અને ભાજપ યુવા મોરચાના સહયોગથી આયોજિત આ રક્તદાન શિબિરમાં આસપાસના વિસ્તારોના યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 51 બોટલનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.
ગ્રામ પંચાયતના સરપંચ અને યુવા મોરચાના પ્રમુખ મયંકે જણાવ્યું કે, ગ્રામીણ કક્ષાએ હજુ પણ કેટલાક લોકોમાં રક્તદાન કરવા અંગે અનેક પ્રકારના વિચારો અને મતભેદો જોવા મળી રહ્યા છે. આવી શંકાઓને દૂર કરવાના હેતુથી લોકોને રક્તદાન અંગે જાણકારી અને લોકડાઉનના સમયમાં ઉભી થતી લોહીની માંગને પહોંચી વળવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
મહત્વનું છે કે, વલસાડ શહેરમાં આવેલી બ્લડ બેન્કમાં રોજિંદા 50થી વધુ લોહીના યુનિટની માંગ ઊભી થાય છે અને જેને પહોંચી વળવા માટે સતત રક્તદાન શિબિર આયોજીત કરવી જરૂરી છે જેને અનુલક્ષીને હાલ લોકડાઉનના સમયમાં પણ ઠેરઠેર રક્તદાન શિબિરનું આયોજન થઇ રહ્યા છે. જે પૈકી રોહીણા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું