- મહારાષ્ટ્રના યુવાને વીડિયો વાઈરલ કરી દુકાનદારને કર્યો બદનામ
- ધરમપુરના દુકાનદારને કોરોના થયો હોવાની ફેલાવી અફવા
- દુકાનદારે યુવક અંગે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
વલસાડઃ ધરમપુર નજીક આવેલા ખડકી ગામે રહેતા એક દુકાનદારનો વીડિયો મહારાષ્ટ્રના એક યુવકે બનાવી વાયરલ કર્યો હતો. જેમાં દુકાનદારને કોરોના થયો હોવાની વાત હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં દુકાનદારને બદનામ કરવાના હેતુસર વાયરલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતની જાણકારી મળતા જ દુકાનદારે સરપંચનો સંપર્ક સાધી વીડિયો વાયરલ કરનારા મહારાષ્ટ્રના યુવક સામે ધરમપુર પોલીસ મથકમાં લેખિતમાં અરજી આપી છે અને તેને પાઠ ભણાવવા માટે અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માગ કરી છે.
મહારાષ્ટ્રના યુવકે ધરમપુરના શખ્સને કોરોના પોઝિટિવ હોવાનો વીડિયો વાયરલ કરતા ફરિયાદ નોંધાઈ મહારાષ્ટ્રના સુરગાણા તાલુકામાં રહેતા બેડવા ગામના કિશન પાંડુ ધૂમ નામના વ્યક્તિએ એક ગીત ગાતો પોતાની તળપદી ભાષામાં વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં ગીત ગાતા ગાતા ધરમપુરના ખડકી ગામે હોળી ફળિયામાં રહેતા અમરતભાઈ લક્ષ્મણભાઈ પવારને કોરોના થયો છે અને તેને કારણે તેમને સરકારી અધિકારીઓએ ક્વોરન્ટાઈન કર્યા હોવાની વાત કહી હતી.
વીડિયો વાયરલ થતા ખડકી ગામના યુવકના ઘરે લોકો આવતા બંધ થઈ ગયા
વીડિયોને કારણે ગામમાં અમરતભાઈ લક્ષ્મણ ભાઈ પવારના ઘરે કોઈ આવતું જતું ન હતું કે તેમની સાથે કોઈ બોલવા પણ રાજી ન હતું. જેના કારણે છેલ્લા પંદર વીસ દિવસથી તેઓની માનસિક સ્થિતિ નબળી પડી ગઈ હતી અને દરેક લોકો તેમને વીડિયો અંગે જાણ કરતા કે તેઓ કોરોના પોઝિટિવ ન હોવા છતાં પણ લોકો તેમની સાથે દૂરી બનાવી રહ્યા છે.
વીડિયો વાયરલ કરનારા સામે કાર્યવાહી કરવા પોલીસ મથકમાં અરજી
દુકાનદારે આ યુવકને પાઠ ભણાવવા ધરમપુર પોલીસ મથકમાં લેખિત અરજી કરી છે. તેણે અરજીમાં જણાવ્યું છે કે, આ યુવકે ગેરકાયદે વીડિયો બનાવી તેમને કોરોના થયો હોવની અફવા ફેલાવી બદનામ કર્યો છે. તેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
નોંધનીય છે કે ગ્રામીણ કક્ષાએ અત્યાર સુધીમાં ખૂબ જૂજ કેસો કોરોના પોઝિટિવ આવ્યા છે. તો બીજી તરફ ગ્રામીણ કક્ષામાં જો કોઈ કોરોના પોઝિટિવ આવે તો લોકો કોરોના પોઝિટિવ ના ઘરે જવાનું તો ટાળે છે. આવા સંજોગોમાં વાયરલ થયેલો વીડિયોને કારણે અમૃતભાઈ પવારની ખૂબ જ બદનામી થઇ હોવાનું જણાવતા તેમણે આખરે પોલીસ સ્ટેશન આવી વિડિયો બનાવી વાયરલ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.