- ગુજરાતમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી નવી ગાઇડલાઇન જાહેર
- વલસાડ ઇવેન્ટ મેનેજમેન્ટ, ડીજે, કેટેરર્સ, ડેકોરેશન સાથે સંકળાયેલા લોકોએ કલેક્ટરને કરી રજૂઆત
- નવી ગાઈડલાઇન વધારી શકે છે વ્યવસાયકારોની મુશ્કેલી
વલસાડઃ ગુજરાતના મોટા શહેરોમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે ગુજરાત સરકારે ગઇકાલે (સોમવાર) એક નવી કોરોના ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં લગ્ન પ્રસંગ વરઘોડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ લગ્નના પ્રસંગોમાં ડીજે વગાડવું અને 200 લોકોના સ્થાને લગ્ન પ્રસંગમાં માત્ર લોકો ભાગ લઇ શકશે અને તે અંગે પણ પરવાનગી લેવાની રહેશે જેવું જાહેરનામું બહાર પાડતા કેટરિંગ વ્યવસાય તેમજ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત પડતા ઉપર પાટુ મારવા જેવી બની ગઈ છે. જેને લઈને આજે (મંગળવાર) વલસાડ જિલ્લા કલેકટરને વલસાડ જિલ્લાના વિવિધ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
લોકડાઉન ખુલ્યા બાદ હજુ વ્યવસાય શરૂ નથી થયો ત્યાં નવી ગાઈડ લાઇને મુશ્કેલી વધારી
લોકડાઉન બાદ બેરોજગારીથી અનેક લોકોની કમ્મર તૂટી ગઇ છે. હાલ અનલોકમાં અનેક બજારો અને વેપાર ધંધા શરૂ થઇ ગયા છે, પરંતુ મોટા મોટા પ્રસંગોમાં વિવિધ પ્રકારની સેવા આપતા ઇવેન્ટ મેનેજમેન્ટ, ડીજે, કેટેરર્સ અને ડેકોરેશન સાથે સંકળાયેલા લોકોના વેપાર ધંધા હજુ સુધી ચાલુ થઇ શક્યા નથી. જેના કારણે તેમની હાલત ખૂબ કફોડી બની છે.
નવી ગાઈડ લાઇન મુજબ વરઘોડા પર પ્રતિબંધ 200 ના સ્થાને લગ્નમાં 100 લોકો સામેલ કરી શકાશે