વલસાડ : જિલ્લાનો ઉમરગામ તાલુકો દરિયા કાંઠે આવેલો તાલુકો છે. ઉમરગામ શહેર દરિયા કાંઠે આવેલું શહેર છે. તેવામાં અહીંનો બીચ વર્ષોથી લોકોને આકર્ષી રહ્યો છે. જો કે હાલમાં લોકડાઉન લાગુ હોય કોરોનાની મહમારીએ હાહાકાર મચાવ્યો હોય લોકોની અવરજવર થંભી ગઈ હતી. લોકડાઉનમાં લોકોને ઘરમાં રહેવાની ફરજ પડયા બાદ લોકડાઉનમાં કેટલીક છૂટ આપી છે. આ છૂટને કારણે હવે બજારોમાં ચહલપહલ જોવા મળી રહી છે.
આવી જ ચહલપહલ ઉમરગામના દરિયા કિનારે જોવા મળી હતી. દરિયા કિનારે લોકો રવિવારની મોજ માણતા જોવા મળ્યા હતાં. જેમાં અનેક યુગલો દરિયાની ભીની રેતીમાં મસ્તીમાં મશગુલ હતાં. કેટલાક પરિવારો બાળકો સાથે આવ્યા હોય બાળકો રેતીમાં રમતા હતાં. અન્ય કેટલાક લોકો સાંજનું વોકિંગ કરવા કિનારા પર આવ્યા હતાં. તો, કેટલાક ઢળતા સૂરજ સાથે સેલ્ફીની મોજ માણતા હતા.