ધરમપુર તાલુકામાં હિલ સ્ટેશન ઉપર આવેલા ઉલસપીંડી ગામે ચાર ફળિયા વચ્ચે ત્રણ કુવાઓ અને ચાર હેન્ડપંપ આવેલા છે, પરંતુ માર્ચ માસ પૂર્ણ થતાની સાથે આ તમામ હેન્ડ પંપ અને કૂવાઓમાંથી પાણી પૂર્ણ થઈ જતા અહીંના હજારથી વધુ લોકોને એકમાત્ર કૂવા પર જ નિર્ભર રહેવું પડે છે અને હાલમાં 5 કિલોમીટર દૂર આવેલો આ કૂવામાં પણ માત્ર ત્રણ દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું છે. જે બાદ લોકોને લગભગ 2 થી 3 કિલોમીટર દૂર આવેલા સામારશીંગી અને સદડ વેરા ગામોમાં જઈ પીવાનું પાણી લઇ આવવું પડશે.
પાણીના પ્રશ્નો યથાવત, ધરમપુરમાં લોકોને પીવાના પાણીની ગંભીર સમસ્યા - val
વલસાડ: જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં માર્ચ માસ શરૂ થતાની સાથે જ પીવાના પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે. દરેક તાલુકામાં કેટલાક ગામોમાં પીવાના પાણીની કપરી સ્થિતિ સર્જાય છે. તેવી જ રીતે અહીં ધરમપુર તાલુકામાં પણ પાણીની તંગી સર્જાય છે.
ધરમપુર તાલુકાના ઉલસપિંડી ગામે માર્ચ માસ પૂર્ણ થતાની સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. મહિલાઓને પીવાના પાણી માટે વહેલી સવારે અઢી વાગ્યાથી એકમાત્ર કૂવા ઉપર પીવાનું પાણી લેવા માટે લાઇન પર ઉભું રહેવું પડે છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર ફળીયાની આસપાસમાં અનેક કૂવા આવેલા છે, પરંતુ માર્ચ માસ પૂર્ણ થાય તે પૂર્વે જ આ તમામ હેન્ડ પંપના પાણીઓના જળ સુકાઈ જાય છે. જેથી તેઓને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી તેમ જ ઘર વપરાશનું પાણી મળી શકતું નથી અને તેથી તેઓને સમસ્યાનો સામનો કરવો પડે છે.
નોંધનીય છે કે, આ ગામની પાણીની સમસ્યાને નિવારવા માટે સરકાર દ્વારા વૈકલ્પિક રીતે પીક અપમાં પાણીના ટાંકા મૂકી પાણી પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ એક પીકપની અંદર માત્ર 2000 લિટર પાણી જ પહોંચતું હોય જે 1000 લોકો માટે પૂરતું અને પહોંચી રહેતું નથી. જેના કારણે આજે પણ સ્થાનિક મહિલાઓને એકમાત્ર કુવા ઉપર નિર્ભર રહેવું પડે છે. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે સરકાર દ્વારા વૈકલ્પિક રીતે પાણીની વ્યવસ્થા જે ટેન્કર દ્વારા કરવામાં આવી છે. તે પૂરતી નથી. અહીં ટેન્કર દ્વારા પાણી આપવાની વાત કરવામાં આવે છે. પરંતુ, નિયમિત રીતે પાણી આવતું નથી. આખા દિવસમાં માત્ર એક જ વાર ટેન્કર આવતું હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું