વલસાડ: પારડી પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વિવાદાસ્પદ નિમણૂકનો અંત આવ્યો હતો. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સભ્યને પોતાની તરફ ખેંચવાની હોડનો અંત આવતા પાલિકા સદનમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થતા ભાજપે વ્યુહરચનાના ભાગરૂપે પ્રમુખ તરીકે હસમુખભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે દેવેનભાઇ શાહનું નામ રજૂ કર્યું હતું. પરંતુ ફોર્મ હસમુખભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન પટેલનું ભરાયું હતું. સામે છેડે કોંગ્રેસમાંથી પ્રમુખ પદે ગુરમિતસિંગ ચાંદોક અને ઉપપ્રમુખ પદે સોનલબેન પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું હતું.
પારડી પાલિકામાં આજે ભાજપનો ભગવો લહેરાયો
પારડી નગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા બે દિવસથી મળેલી ચૂંટણી અંગેની સભામાં ભારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જેમાં બંને પક્ષોમાં પક્ષપલટો કરનાર અનેક સભ્યોની ખેંચતાણ શરૂ થઈ હતી, તો ભાજપના જ બે મહિલા સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેને લઈને સર્જાયેલી ચકમક બાદ આ સભા મોકૂફ રહી હતી. પરંતુ ફરીથી મળેલી આ સભામાં ભાજપના 17 સભ્યો હાજર રહ્યા હતા અને 17 સભ્યોની બહુમતી બાદ પારડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જેમાં પ્રમુખ તરીકે હસુભાઇ રાઠોડ જ્યારે ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન પટેલની વરણી કરવામાં આવી હતી.
જ્યારે ભારે મથામણ બાદ યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપની તરફેણમાં 17 અને કોંગ્રેસની તરફેણમાં 11 મતો પડતાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઇ ગઇ હતી. જોકે, છેલ્લી બે સભામાં કોંગ્રેસના બાગી સભ્યો કઈ તરફ છે તે મુદ્દે ભારે બબાલ ચાલી હતી. તે તમામ બાગી સભ્યો ભાજપ તરફી મતદાન કરતા બહુમતી સાથે પાલિકા પર ભગવો લહેરાવી પાલિકા કબજે કરવામાં ભાજપ સફળ રહી છે. આખી પ્રક્રિયા દરમિયાન જેનું ઉપપ્રમુખ પદ માટે નામ ચાલતું હતું. એવા અમિષાબેન મોદીનું નામ છેલ્લી ઘડીએ બાદ થતાં તેમણે કારોબારી અધ્યક્ષ બનાવવામાં ન આવશે તો રાજીનામું આપી દઈશ જેવી ચીમકી આપી છે. જે જોતા ભાજપે પાલિકા તો મેળવી પણ સમિતિઓની રચના દરમિયાન નારાજ સભ્યોને સાચવી લેવાની મોટી જવાબદારી હજુ બાકી છે.
મહત્વનું છે કે, ગુરુવારે મળેલી પારડી નગરપાલિકાની સભામાં ભાજપના બે મહિલા સભ્યો ગેરહાજર હતા. જેને પગલે ભારતીય જનતા પાર્ટીએ પોલીસમાં અરજી પણ કરી હતી કે બંને સભ્યોને કોંગ્રેસી સભ્યોએ અપહરણ પણ કર્યું હોઈ શકે. તો બીજી તરફ ગુરૂવારે ધમાચકડી બાદ પોલીસે નગરપાલિકા ઉપરથી જ કોંગ્રેસના બે સભ્યોની અટક પણ કરી હતી. પરંતુ શુક્રવારના રોજ નાટ્યાત્મક રીતે ભાજપના ઉમેદવાર પાલિકા પ્રમુખની બેઠક ઉપર બિરાજમાન થયા છે.