વલસાડ :રોહીણા ગામે 71 જેટલા આદિવાસી સમાજના લોકોની દુકાનોનું ડીમોલેશન કરવામાં આવતા તમામ લોકોની રોજી છીનવાઈ છે. આજે વહીવટી તંત્ર અને દમણ ગંગા નહેર વિભાગ દ્વારા નહેર માર્જિનના 18 મીટરમાં આવતી દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે આ કામગીરીનો વિરોધ કરતા સ્થાનિકો જેસીબી મશીન આગળ બેસી ગયા હતા. આ દુકાનદારો અને આદિવાસી સમાજના અગ્રણીઓને પોલીસે બળપ્રયોગ કરી ડિટેઇન કર્યા હતા. જે બાદ ડીમોલેશન કામગીરી ચાલી હતી.
ડીમોલેશન કામગીરી : રોહીણા ગામે 71 જેટલા દુકાનદારો નહેરથી 18 મીટરના અંતરમાં દબાણ કરી દુકાન ચલાવી રહ્યા હતા. એ તમામને ચાર માસ અગાઉ દમણ ગંગા નહેર વિભાગ દ્વારા નોટિસ આપી દુકાન ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ તેઓને વિસ્તાર ખાલી કરવા માટે ત્રણ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા ભેગા મળી ગઈ કાલે વાંધો રજૂ કર્યો હતો. ત્યારબાદ આજે સવારથી જ પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર પ્રાંત અધિકારીની હાજરીમાં રોહિણા ગામે પહોંચી ગયું હતું. જેમાં સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ સ્થળ ઉપર પહોંચ્યો હતો.
અગ્રણીઓની અટકાયત : વહીવટી તંત્ર દ્વારા દુકાન હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તે પહેલા જ આદિવાસી સમાજના અગ્રણી કલ્પેશ પટેલ તેમજ કોંગ્રેસના મહામંત્રી વસંતભાઈ તેમજ આમ આદમી પાર્ટીના જયેન્દ્ર ભાવિત સહિતના અગ્રણીઓ દુકાનદારોની પડખે આવ્યા હતા. તેમના નેતૃત્વમાં સ્થાનિક લોકો જેસીબીની આગળ બેસી જઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવા લાગ્યા હતા. જોકે ડિમોલેશન કરવાનો મૂડ બનાવીને આવેલા અધિકારીઓએ પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા આ તમામ પર બળપ્રયોગ કરી બસમાં બેસાડી અટકાયત કરી હતી. ત્યારબાદ નહેરના માર્જિનમાં આવતી તમામ દુકાનોના દબાણ હટાવી લીધા હતા.