- નાયબ મામલતદાર બની ખોટા સહીસિકકા કરીને ઠગાઈ કરી
- હાઇવે માર્જિનમાં જમીન આવતી હોવાનું જણાવી 110 રૂપિયા સ્કવેરફુટ જમીન અપાવવાનો ઝાંસો આપ્યો
- પલસાણાના મિતલ જોશીએ નાયબ મામલતદાર બનીને કસબ અજમાવી 35 લાખ સેરવી લીધાં
- મુંબઈના વેપારીને પારડી મામલતદાર કચેરીમાં મિત્તલ આવ્યો હતો સંપર્કમાં
વલસાડઃ મુંબઈમાં નેપિયન્સી રોડ પર રહેતાં અને વતન એન્ટરપ્રાઈઝ પ્રા. લી. નામની કંપની ધરાવતા સુરેશભાઈ ગોરધનદાસ મખીજા પોતાની માલિકીની કંપની વતન એન્ટરપ્રાઈઝ પ્રા. લી.ની નામે ચાલી આવતી પારડી તાલુકાની ખડકી ખાતેની સર્વે નંબર 1454 બિન ખેતીની જમીનમાં સ્પેલિંગમાં ભૂલ સુધરાવવા માટે પારડી મામલતદાર કચેરી ખાતે આવતા તેમનો ભેટો મિસ્ટર.નટવરલાલ એવા મિત્તલ હર્ષદરાય જોશી સાથે થયો હતો.
મિત્તલ જોશી મામલતદાર કચેરીમાં પડ્યોપાથર્યો રહેતો અને ટાઉટ તરીકે કામ કરતો
ઘણા સમયથી મામલતદાર કચેરી ખાતે પડ્યા પાથર્યા રહેતાં અને સેટીંગનું કામ કરી લોકોને છેતરતા મિત્તલ જોશીએ સુરેશભાઈને છેતરવા તરકીબ અજમાવી. પોતે પારડી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર ( Fake Deputy Mamlatdar) છે અને બે દિવસમાં કામ થઇ જશે તેમ જણાવી વિશ્વાસ કેળવ્યો હતો.
પોતે નાયબ મામલતદાર હોવાનું જણાવી કરી છેતરપિંડી
મિત્તલ જોશીએ પોતાની વાકછટા અને ચાલાકી અપનાવી જમીનના માલિક સુરેશભાઈને તમારી જમીન હાઇવે માજિગમાં છે આ જમીનના બદલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજના (PM Modi) હેઠળ તમને 8000 સ્કવેરફૂટ જેટલી બીજી જગ્યા મળશે તેમ જણાવી 110 રૂપિયા સ્કવેરફૂટ લેખે ટૂકડેટુકડે 35 લાખ જેટલી માતબર રકમ જમીન માલિક સુરેશભાઈ પાસે પડાવી લઇ છેતરપિંડી કરી હતી.