નેશનલ હાઇવે નંબર 48 ઉપર છેલ્લા કેટલાક સમયથી અનેક અકસ્માતો નોંધાયા છે. જેમાં વલસાડથી ચીખલી વચ્ચે હાઇવે પર આવતા ક્રોસિંગ નજીક અનેક અકસ્માતો સર્જાય છે.
વલસાડમાં અકસ્માતમાં મોતને ભેટેલા લોકોની આત્માની શાંતિ માટે વૈદિક યજ્ઞનું આયોજન - વલસાડથી ચીખલી વચ્ચે હાઇવે
વલસાડઃ ડુંગરી હાઇવે પર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. એમાં પણ હાઇવેની નજીકમાં રહેતા અનેક લોકોએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. નિર્દોષ લોકોના જીવોની આત્માને શાંતિ મળે તે માટે, તેમજ વધુ અકસ્માતો ન બને એવા ઉમદા હેતુથી વીડિયો ડુંગરી હાઇવે પર ગ્રામજનો દ્વારા એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડુંગરી ખાતે આવા અકસ્માતોમાં કુલ 38 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ 38 લોકોના આત્માની શાંતિ માટે, તેમજ આગામી દિવસમાં હાઇવે પર આવા અકસ્માતો ન બને એવા લોકહિતના હેતુથી સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા એક વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટેલા લોકોને આત્માની શાંતિ માટે પિંડદાન કરવામાં આવ્યું હતું. જ્યારે આગામી દિવસમાં વધુ અકસ્માત ન થાય તે માટે પણ આહુતિઓ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વલસાડથી ચીખલી સુધીના માર્ગ પર હાઈવેની આજુબાજુમાં આવેલા અનેક ગામોમાં રહેતા લોકો હાઇવે ક્રોસ કરતા સમયે અકસ્માતનો ભોગ બને છે. મહત્વનું એ છે કે, હાઈવે ક્રોસ કરવા ઝેબ્રા ક્રોસિંગ હોવા છતાં પણ વાહનો પુરઝડપે પસાર થતા હોય છે. જે કારણે આવી અકસ્માતની ઘટનાઓમાં અનેક નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે.