વલસાડમાં મત્સ્યોદ્યોગ પોર્ટના નામે રાજકારણ ગરમાયું - gujart news
વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે બંદરના સર્વે માટે આવેલા અધિકારીઓને ચૂંટણીને ધ્યાને રાખી સર્વેની કામગીરી મોકૂફ રખાવ્યા બાદ ચગેલા વિવાદમાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યપ્રધાને ખુલાસો કરતા કહ્યું કે, અહીં કોઈ કોમર્શિયલ પોર્ટ નહીં, પરંતુ માછીમારો માટે મત્સ્યોદ્યોગ બંદર બનાવામાં આવશે.
ચૂંટણી ટાણે જ બંદરના સર્વેની કામગીરી હાથ ધરાયા બાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ફરી બંદરનો વિરોધ ઉઠી રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ નારગોલ ખાતે વનવિભાગ અને કાર્ગો પોર્ટના અધિકારીઓએ બંદરની જમીન અંગે સર્વે હાથ ધરતા આ અંગે સ્થાનિક લોકોની નારાજગી અને ચૂંટણીનો માહોલમાં હાલ પૂરતી સર્વેની કામગીરી મોકૂફ રખાઈ છે. ત્યારે, આ સમગ્ર મામલે કોંગ્રેસના વલસાડ જિલ્લા પ્રમુખ દિનેશ પટેલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક માછીમારો અને ખેડૂતોનો બંદરને લઈને સખત વિરોધ છે. અમે પણ મતદારોને જાગૃત કરીએ છીએ કે હજુ પણ ચેતો આ વિસ્તારમાં ભાજપ સરકાર બંદર ચોક્કસ લાવશે. ત્યારે એના વિરોધમાં કોંગ્રેસ મતદારોની સાથે છે અને સાથે રહેશે.