વલસાડ : હાલ વલસાડ જિલ્લો ઓરેન્જ ઝોનમાં પ્રવેશે છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સવારે 7 થી સાંજે 7 સુધી કેટલાક દુકાનદારોને જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણ માટે છૂટછાટ આપવામાં આવી છે. જેને પગલે અહીંના લોકોનું જનજીવન થાળે પડયું છે, લોકો સોશિયલ ડીસ્ટન્સ રાખીને ખરીદી કરવા બહાર નીકળી રહ્યા છે. આ સાથે વલસાડ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર પણ લોકડાઉન થયું ત્યારથી અત્યાર સુધી સતત પોતાની ફરજ બજાવી રહી છે.
વલસાડ જિલ્લામાં માત્ર એક કેસ એક્ટિવ - વલસાડ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 2460 સેમ્પલો લેવામાં આવ્યા છે. જેમાં 2454 સેમ્પલો નેગેટિવ આવ્યા છે. તેમજ 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે એકનું સુરત ખાતે મોત થયું છે, અને એક કેસ હજુ વલસાડ સિવિલમાં સારવાર હેઠળ છે.
આ ઉપરાંત જિલ્લામાં જીઆરડી હોમગાર્ડ ટ્રાફિક બ્રિગેડ અને પોલીસના જવાનો સહિત 2800 જેટલા પોલીસ કર્મીઓ ખડે પગે સેવા આપી રહ્યા છે હાલ લોકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 6000 જેટલી એફ આર આઇ નોંધવામાં આવી છે. તેની સાથે જ 7 હજાર જેટલા આરોપીઓ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. તેમજ 8000 જેટલા વાહનોને પણ ડિટેઇન કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરાઇ રહ્યું છે. તો સાથે સાથે વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ આવેલા ચાર જેટલા દર્દીઓ સાજા થતા તેમને રજા આપી દેવાઈ છે. હાલમાં માત્ર એક જ કેસ એક્ટિવ છે, જેને પણ ટૂંક જ સમયમાં રજા આપવામાં આવશે. ત્યારબાદ વલસાડ જિલ્લો કોરોના મુક્ત બનશે.
આમ, વલસાડ જિલ્લો ટૂંક જ સમયમાં ઓરેન્જ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં પ્રવેશ કરશે તેવું જણાઈ રહ્યું છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ચાર જેટલી ટ્રેનો દ્વારા શ્રમિકોને રવાના કરવામાં આવ્યા છે. તેમજ શુક્રવારના રોજ વધુ એક ટ્રેન જૌનપુર માટે રવાના થશે, જેમાં 200થી વધુ લોકોને રવાના કરવા માટેની તજવીજ હાથ ધરાઇ છે.