વલસાડ : વૈશ્વિક મહામારી કોરોનાને લઈને લોકોના આરોગ્યની કાળજી લેતા વડાપ્રધાને સમગ્ર ભારતભરમાં લોકડાઉન કર્યું હતું અને તેની અસર શિક્ષણ વિભાગને પણ થઈ હતી. લોકડાઉનના સમયમાં અનેક શાળા અને કોલેજો બંધ રહ્યા હતા અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ ઠપ્પ થઇ ગયું હતું. જોકે આવા સમયમાં બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા દરેક બાળકને ઘરબેઠા શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી ઓનલાઈન શિક્ષણનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી કરીને મોબાઇલ કે ટેલીવિઝનના માધ્યમથી બાળક ઘરબેઠા મળી શકે, પરંતુ દરેક સ્થળે બાળકને ઓનલાઇન શિક્ષણ મળી શકે એવી ભૌગોલિક પરિસ્થિતિ કેટલાક વિસ્તારમાં નથી જે બાબતનું ધ્યાન લગભગ શિક્ષણ વિભાગને હજુ સુધી કર્યું નથી.
કપરાડાના 100થી વધુ ગામોમાં ઓનલાઈન શિક્ષણ 'કવરેજ વિસ્તારની બહાર' !
કોરોનાની મહામારી વચ્ચે અનેક જગ્યાઓ ઉપર લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેને પગલે શિક્ષણ વિભાગને પણ તેની અસર સહન કરવાનો વારો આવ્યો છે. અનેક શાળાઓ અને કોલેજો પણ બંધ કરવામાં આવી છે. જેને લઇને છેલ્લા બે-ત્રણ માસથી વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેસી ગયા છે. આવા સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણી શકે તે માટે ઓનલાઇન શિક્ષણનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ નિર્ણય કપરાડા તાલુકાના 150 જેટલા ગામો માટે મૃગજળ સમાન બની રહ્યો છે. કારણ કે આ ગામોમાં મોબાઇલ નેટવર્ક નથી જેથી આ વિસ્તારમાં ઓનલાઇન શિક્ષણ ચાલી શકે એમ જ નથી. અહીંના તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જાણે ધૂંધળુ બની ચૂક્યું છે.
વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં જ સૌથી વધુ એવા ગામો છે જ્યાં મોબાઇલ નેટવર્ક બિલકુલ આવતું નથી. એટલે કે મોબાઈલ આધારિત ઓનલાઇન શિક્ષણ બાળકોને મળવું એ ખૂબ જ મુશ્કેલ બની જાય છે તો બીજી તરફ કપરાડા તાલુકામાં મોટા ભાગે રહેતા લોકો મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હોય છે. તેઓની પાસે એન્ડ્રોઇડ મોબાઈલ તો દૂર એક સામાન્ય મોબાઈલ લેવા માટે પણ એક એક પૈસો જોવો પડતો હોય છે, ત્યારે બાળકોને ઓનલાઇન મોબાઇલના માધ્યમથી શિક્ષણ મળે તે તો બહુ દૂરની વાત કરી શકાય. જ્યારે ટેલિવિઝનની વાત કરીએ તો કપરાડા તાલુકાના દરેક ફળિયામાં એક કે બે ટેલિવિઝનનો છે, પરંતુ સ્થિતિ એવી છે કે અહીં આગળ વીજળીના ધાંધિયા વધી રહ્યા છે જેના કારણે પાવર કટની સમસ્યા ખૂબ જ મોટી છે. જેથી ટેલિવિઝનમાં પણ અહીં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે તેમ નથી જોકે આ તમામ સમસ્યાઓ બાબતે તાલુકામાં કામ કરતાં શિક્ષણ વિભાગના શિક્ષકો બીઆરસી અને સીઆરસી કક્ષાના શિક્ષકો દરેક શાળા અને ગામોમાં જઈને બાળકોને રૂબરૂ માર્ગદર્શન આપી રહ્યા છે.