- ઉદવાડા ગામના દરિયા કાંઠે આવી રહ્યું છે ઓઇલ જેવું ડાર્ટ કેમિકલ
- શરીરમાં ચોંટી જાય તો સાબુ વડે પણ ધોઈને દૂર કરવું બને છે મુશ્કેલ
- કિનારે આવતા મોજા સાથે આવી રહ્યા છે ઓઇલ જેવા કાળા ગઠ્ઠા
વલસાડઃજિલ્લાના 40 કિમિ લાંબા દરિયા કિનારે રહેતા લોકોમાંથી મોટા ભાગના લોકો માછીમારીનો વ્યવસાય કરતા હોય છે પરંતુ પારડી તાલુકાના ઉમરસાડી કોલક ઉદવાડા ગામ જેવા વિસ્તારના દરિયા કાંઠે છેલ્લા એક આઠવાડિયાથી દરિયામાં ઓઇલ જેવા કાળા રંગનું કેમિકલ દરિયા કિનારે તણાઈને આવી રહ્યું છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારમાં ઓઇલના ગઠ્ઠા જેવા પદાર્થ તણાઈ આવી રહ્યો છે. દરિયા કિનારે રેતીમાં ચાલીને જતા અનેક લોકોને પગે ચોંટી જતા તેને સાબુ વડે પણ કાઢવું મુશ્કેલ બની રહ્યું છે. દરિયામાં કેમિકલ તણાઈ આવતા માછીમારીના વ્યવસાયને પણ અસર પડી શકે છે. જેને લઈ માછીમારોમાં ચિંતા ફેલાય છે.
માછીમારીના વ્યવસાયમાં પણ પહોંચી શકે છે અસર
ચોમાસુ (Valsad Monsoon) શરૂ થતાની સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ દરિયાકિનારે ઓઇલ જેવા પદાર્થ ગઠ્ઠા દરિયાના મોજા સાથે તણાઈને દરિયા કિનારા તરફ આવી રહ્યા છે. જેને લઇને દરિયા કિનારાની રેતી પણ કાળા રંગની થઈ ગઈ છે. મોટાભાગે માછીમારો ચોમાસા દરમિયાન માછીમારી ખૂબ ઓછી કરતા હોય છે. પરંતુ કિનારા વિસ્તારમાં માછીમારી કરવા માટે તેઓ આજીવિકા માટે જતા હોય છે. પરંતુ ઓઇલ જેવા આ પદાર્થો દરિયાના પાણીમાં ભળીને કિનારે આવતા તેની સીધી અસર તેમના માછીમારીના વ્યવસાય ઉપર પણ પડી રહી છે. એટલે કે, દરિયાના પાણીમાં આ કેમિકલ જોવા મળતા માછલી પણ તેમની જાળમાં ખૂબ ઓછા પ્રમાણમાં આવી રહી છે. જેની સીધી અસર તેમની આજીવિકા ઉપર પડી રહી છે જેને લઇને માછીમારોમાં ચિંતા જોવા મળી રહી છે.
દર વર્ષે ચોમાસા દરમિયાન કેમિકલ કિનારે તણાઈ આવતા બન્યો તપાસનો વિષય
ચોમાસુ શરૂ થતાની સાથે જ દરિયા કિનારે કાળા રંગના પ્રવાહી જેવા અને ઓઇલ જેવા ગઠ્ઠા દરિયાકિનારે તણાઈ આવતા હોય છે અને દર ચોમાસાએ તેનું પુનરાવર્તન થાય છે, પરંતુ આજદિન સુધી નાતો GPCB કે ના તો વહીવટીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી છે. આ પ્રકારના કેમિકલ જેવો પદાર્થ દરિયામાં કેવી રીતે પહોંચે છે? અને ક્યાંથી આવે છે? આ સમગ્ર બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ મળી શક્યું નથી. પરંતુ તેની સીધી અસર માછીમારોને પડી રહી છે.