આજે વર્ષો બાદ મધુબનમાં વરસાદ ખેંચતા પાણી ઓસરી ગયાં હતા. જેથી ડૂબાણમાં ગયેલા કેટલાક અવશેષો બહાર દેખાઈ રહ્યાં છે. જેમાં ધરમપુરના રજવાડી સમયના થાણાંનો એક ગેટનો ભાગ જોવા મળી રહ્યો છે. જેને લોકો મહેલ હોવાનું જણાવી રહ્યાં છે. જો કે, ઐતિહાસકારોના મત મુજબ ધરમપુર સ્ટેટના રાજા અહીં તેમના લશ્કર સાથે શિકાર માટે આવતા હતા અને અહીં રાતવાસો કરવા એક નાનકડું થાણું બનાવ્યું હતું. જેના ગેટનો એક મુખ્ય ભાગ મધુબન ડેમના પાણી ઓસરતા હાલ બહાર દેખાઈ રહ્યો છે.
વર્ષ 1972માં મધુબન ડેમ બન્યા બાદ ડૂબમાં ગયેલા કેટલાક ગામોમાં 16મી સદીમાં સિસોદીયા વંશના ધરમપુરના રાજા દ્વારા નિર્મિત કરાયેલું થાણું હતું. જે આજે ડેમનું પાણી ઓસરી જતા થાણાના ગેટનો હિસ્સો બહાર આવ્યો છે. જેને જોતા લોકોએ કિલ્લો હોવાની વાત વહેતી કરી છે. જો કે, અહીં એવો કોઈ કિલ્લો છે જ નહીં. અહીં ડેમ નહોતો, ત્યારે રાજા તેના લશ્કર સાથે શિકાર કરવા નીકળતા અને જંગલી પ્રાણીઓના ભયથી ફતેહપુર અને પેડછા વિસ્તારમાં એક થાણું બનાવવામાં આવ્યું હતું. જેનો ઉલ્લેખ આજે પણ ધરમપુર સ્ટેટના કેટલાક ઐતિહાસિક પુસ્તકોમાં મૌજુદ છે.