વલસાડઃ જિલ્લા પર નિસર્ગ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેની સતર્કતાના ભાગ રૂપે આજે વલસાડ જિલ્લા DDO, મામલતદાર, TDO, SP સહિતના અધિકારીઓએ કાંઠા વિસ્તારના ગામની મુલાકાતે પહોંચી 35 જેટલા ગામોને એલર્ટ કર્યા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલું નિસર્ગ નામનું વાવાઝોડું આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતને ઘમરોળી શકે છે.
જોકે આ આગાહીને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ મિટિંગ કર્યા બાદ જિલ્લાના દરિયાકાંઠે આવેલા 35 જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રના અધિકારીઓએ કાંઠા વિસ્તારના 35 જેટલા ગામોના લોકો સાથે એક મિટિંગ કરી હતી અને તમામ લોકોને આ વાવાઝોડા અંગે જાગૃત કરવામાં આવ્યા છે. આ સાથે જ સરપંચ, તલાટી તેમજ વહીવટી તંત્રના તમામ સરકારી અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. વહીવટી તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર જો વાવાઝોડાની અસરને પગલે કોઇ ગામમાં વધુ નુકસાન થવાની દહેશત જણાશે તો આવા ગામના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે.