- સી.આર.પાટીલે ઉમરગામમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
- નગરપાલિકાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું
- સોળસુંબા પંચાયતમાં અદ્યતન કોન્ફરન્સ હોલનું લોકાર્પણ કર્યું
ઉમરગામ: ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ શનિવારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની મુલાકાતે આવ્યા હતા. સી.આર.પાટીલે ઉમરગામ નગરપાલિકાના અને સોળસુંબા પંચાયત ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉમરગામ પહોંચ્યા હતા. ઉમરગામમાં સી.આર.પાટીલે સૌપ્રથમ નગરપાલિકા વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરી પાલિકા વિસ્તારના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. જે બાદ 35 લાખ રૂપિયાના ખર્ચે સોળસુંબા ગ્રામ પંચાયત ખાતે નિર્માણ પામેલ અધ્યતન સભાખંડનું ઉદ્ઘાટન કર્યું હતું.
ખેડૂત આંદોલનમાં ખેડૂતો સામેલ નથી
ઉમરગામની મુલાકાત દરમિયાન સી.આર.પાટીલે ખેડૂત આંદોલનને લઇને જણાવ્યું કે, દેશમાં માત્ર બે જ રાજ્યોમાં ખેડૂતોનું આંદોલન ચાલે છે. પરંતુ તેમાં ખેડૂતો સામેલ નથી. ખેડૂતોના નામે આ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશ હોય મધ્યપ્રદેશ હોય કે ગુજરાત દેશના આ મહત્વના કૃષિ આધારિત રાજ્યોમાં ખેડૂત આંદોલનની કોઈ અસર નથી. ગુજરાતમાંથી ખેડૂત આંદોલનમાં ખેડૂતો ગયા હોવાની વાતને રદિયો આપતા પાટીલે આક્ષેપ કર્યો હતો કે, તેમાં ખેડૂતો નહીં પરંતુ કોંગ્રેસીઓ ગયા છે. ખેડૂતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિલના સમર્થનમાં બહાર આવ્યા છે. કોંગ્રેસ તેનો અપપ્રચાર કરી રહી છે, જેનાથી દેશના ખેડૂતો ભ્રમિત થયા નથી.