- ભિલાડ ચેકપોસ્ટ પર RT PCR રિપોર્ટ વગરના પ્રવાસીઓને 'નો એન્ટ્રી'
- ખાનગી બસના પ્રવાસીઓને પરત મોકલવામાં આવે છેે
- હાઇવે પર લક્ઝરી બસનો જમાવડો
વલસાડ : 1 એપ્રિલથી ગુજરાતમાં આવતા અન્ય રાજ્યના લોકોએ ફરજિયાત નેગેટિવ RT PCR રિપોર્ટ લઈને આવવાનો આદેશ સરકારે આપ્યો છે. જેને અંતર્ગત ભિલાડ બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. RT PCR રિપોર્ટ વગર આવતા ખાનગી બસચાલકો અને પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. આ અંગે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર કેતન પટેલે ETV BHARATને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રથી ગુજરાત થઈને રાજસ્થાન જતી ખાનગી બસોમાં ડ્રાઇવર, ક્લિનર અને તમામ પ્રવાસીઓનો નેગેટિવ RT PCR રિપોર્ટ હોય તો જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેનો RT PCR રિપોર્ટ નથી, તેને પોલીસની મદદથી પરત મોકલવામાં આવે છે.
આ પણ વાંચો -રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર RT-PCR ટેસ્ટ ફરજિયાત
બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ભિલાડ પોલીસ મથકના PSI ભગવતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હાલ સરકારના આદેશ બાદ બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં મોટાભાગના ખાનગી લક્ઝરી બસના ડ્રાઇવર-ક્લીનર અને પ્રવાસીઓ પાસે RTPCR રિપોર્ટ હોતો નથી. એટલે એમને પરત મોકલવામાં આવે છે અને RTPCR રિપોર્ટ લઈને આવવાનું જણાવવામાં આવે છે. જેને લઈને અહીં લક્ઝરી બસનો જમાવડો થઈ રહ્યો છે. જે ટ્રાફિકમાં અડચણ ન થાય તે મુજબ ક્લિયર કરવામાં આવે છે.