વલસાડઃ હાલ દેશમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દરેક સ્થળે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત વલસાડ જિલ્લામાં આવેલી ગૃપ ગ્રામ પંચાયત કપરાડાના સરપંચ દ્વારા પંચાયતની હદમાં આવતા દુકાનદારોને એક નોટિસ મોકલવામાં આવી છે.
આ નોટિસમાં જણાવામાં આવ્યું છે કે, કોરોના વાઇરસ સંપૂર્ણપણે ખતમ ન થાય ત્યાં સુધી કોઈએ પણ ઠંડા પીણાનું વેચાણ કરવું નહીં. તેમજ સાંજે 4 કલાકે દુકાનો બંધ કરી દેવી. આ નોટિસને કારણે દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. વળી કોરોના સાથે ઠંડા પીણાને શુ લેવા દેવા હોઈ શકે એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનલોક-2ની તૈયારી કરી રહ્યા છે, ત્યારે ગૃપ ગ્રામ પંચાયત કપરાડાએ દુકાનદારોને કોરોનાના નામે 4 કલાકે દુકાનો બંધ કરવાની નોટિસ આપી દીધી છે.
વલસાડ કોરોના અપડેટ
- સક્રિય કેસ- 79
- કોરોના પરિક્ષણ-5504
- સ્વસ્થ થયેલા દર્દી- 47
- ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 1523
- કુલ મૃત્યુ- 3
ગૃપ ગ્રામ પંચાયત કપરાડાએ કોરોનાના અનલોક-1માં નવુ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. કોઈપણ આરોગ્ય કે અન્ય કોઈ પણ સ્થળે એવો કોઈ ઉલ્લેખ નથી કે કોરોના ઠંડા પીણાથી જ થાય છે કે, ચિકન મટન ખાવાથી થાય છે. તેમ છતાં ગ્રામ પંચાયત કપરાડા દ્વારા દરેક દુકાનદારોને નોટિસ આપીને ઠંડા પીણાંનું વેચાણ બંધ કરી દેવા તેમજ મચ્છી, ચિકન અને મટનનું વેચાણ પણ બંધ કરવાનો નોટિસમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.