સરકાર દ્વારા હાલમાં જ વાહન વ્યવહારના નિયમોને વધુ કડક બનાવી લોકોને કાયદાનું પાલન કરવાની ફરજ પડી રહી છે. જે કારણે જેમની પાસે અત્યાર સુધી લાઇસન્સ ન હતું એવા અનેક લોકો હવે આરટીઓ કચેરી ખાતે લાઇસન્સ મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.અચાનક જ આરટીઓ કચેરી ખાતે છેલ્લા એક માસથી લાઇસન્સ બનાવવા માટે લોકોની જંગી જનમેદની અને લાંબી કતારો જોવા મળી રહી હતી. જેના કારણે આરટીઓ કચેરી રવિવારે પણ ચાલુ રાખવાની સરકારને ફરજ પડી રહી છે.
આ પ્રકારનું કાર્યબોજ વધી જવાને કારણે સરકાર દ્વારા વધુ એક પગલું ભરતાં એક પરિપત્ર જાહેર કરી આગામી દિવસમાં દરેક જિલ્લાની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટરમાં લર્નિંગ લાઇસન્સ આપવા માટે એક વિશેષ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જે માટે દરેક જિલ્લામાં આ પરિપત્રની જાણકારી આપી દેવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ 6 તાલુકામાં આવેલા આઈ.ટી.આઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ સેન્ટરમાં પણ લર્નિંગ લાઇસન્સ માટે વિશેષ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.