વલસાડ: જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત મેઘરાજાએ મહેર કરી છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી 8 જુલાઈ સુધી કરવામાં આવી છે. જેને પગલે કોઇ નુકસાન ન થાય અને પૂર જેવી પરિસ્થિતિ ન ઉદ્ભવે અને કોઈ જાનમાલને નુકસાન ન પહોંચે એવા હેતુથી સરકાર દ્વારા 5 જેટલી NDRFની ટીમને તૈયાર કરવામાં આવી છે.
જે પૈકીની એક ટીમ આજે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવી પહોંચી હતી. વડોદરા સિક્સ બટાલિયન NDRFની ટીમ વલસાડ પહોંચીને આજે વલસાડના મામલતદાર સાથે ઔરંગા નદીની આસપાસના નીચાણવાળા વિસ્તારમાં આવેલા વિવિધ ગામોની મુલાકાત કરી હતી. વલસાડ નગરપાલિકા વિસ્તારના દાણા બજાર પિંચિંગ પુલ તેમજ લીલાપોર જેવા નદીના કિનારાના વિસ્તારોની NDRFની ટીમે મુલાકાત કરી છે.