- વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાંથી NCB એ 4.5 કિલો MD ડ્રગ્સ ઝડપ્યો
- 85 લાખની રોકડ ઝપ્ત કરી
- ટીમે રેઇડ પાડી 2 લોકોની ધરપકડ કરી
વાપી: વાપીમાં ગુજરાત NCBની ટીમે ડ્રગ સિન્ડિકેટ સામે 20 કલાકથી વધુ સમયનું ઓપરેેેશન હાથ ધરી 'ગુપ્ત સાયકોટ્રોપિક ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ'નો પર્દાફાશ કર્યો છે. આ યુનીટમાંથી મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઉત્પાદન કરી રાજ્યના અલગ-અલગ સ્થળોએ સપ્લાય કરવામાં આવતું હોવાના અંદેશા સાથેની અખબારી યાદી NCBએ બહાર પાડી છે.
85 લાખ રૂપિયાથી વધુની બિનહિસાબી રોકડ જપ્ત કરી
NCBએ આપેલી વિગતો મુજબ તેમને બાતમી મળી હતી કે, વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાંથી વાપીના રહેણાંક વિસ્તારમાં MD ડ્રગ્સની ડિલિવરી ચાલી રહી છે. જે બાતમી આધારે અધિકારીઓની ટીમે રેઇડ કરી 2 લોકોની ધરપકડ કરી હતી. એમના કબજામાંથી 4.5 KG MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં NCBની ટીમોએ આરોપીઓના અલગ અલગ સ્થળો પર તપાસ કરી 85 લાખ રૂપિયાથી વધુની બિનહિસાબી રોકડ પણ જપ્ત કરી હતી.
રોકડ રકમ દવાઓના ગેરકાયદે વેચાણની આવક હોવાની શંકા
NCB એ 4.5 KG ડ્રગ્સ (drugs) સાથે બંને શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી જપ્ત કરવામાં આવેલી રોકડ રકમ દવાઓના ગેરકાયદે વેચાણની આવક હોવાની શંકા સેવી છે. પકડાયેલા બંને શખ્સોમાં એકનું નામ પ્રકાશ પટેલ છે. જે પોતાની મેન્યુફેક્ચરિંગ કંપનીમાં આ ડ્રગ્સ તૈયાર કરતો હતો. અને પકડાયેલા બીજો આરોપી સોનુ રામનિવાસ તે ડ્રગ્સનું માર્કેટિંગ કરતો હતો.