નવસારી ST ડેપોની બસ દમણ જઈ રહી હતી. તે દરમિયાન વલસાડના અતુલ ઓવરબ્રીજ નજીક ચાલુ બસમાં બસના ચાલકને અચાનક ખેંચ આવી જતા તેણે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેમાં બસ ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. આ ઘટનામાં બસમાં સવાર 35થી વધુ મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકતા ગભરાઇ ગયેલી એક મહિલા ચાલુ બસમાંથી કૂદકો લગાવ્યો હતો. ચાલુ બસમાંથી કુદકો લગાવેલી મહિલાને હાથના અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.
વલસાડમાં ચાલકને ચાલુ બસ દરમિયાન ખેંચ આવી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા
વલસાડ : નવસારીથી દમણ જતી બસના ચાલકને ચાલુ બસ દરમિયાન ખેંચ આવી જતા 35 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં. જેમાં એક મહિલાએ ચાલુ બસમાંથી કૂદકો લગાવ્યો હતો. જો કે, બસ આખરે હાઇવેના ડીવાઈડર ઉપર ચડી ગઈ હતી. તેમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત મહિલા અને બસના ચાલકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
જ્યારે એસ.ટી બસ હાઇવેની વચ્ચે આવેલા ડિવાઇડર ઉપર ચઢી જતાં તમામ મુસાફરોનો બચાવ થયો હતો. જો કે, દરવાજો ખૂલી શકે તેમ ન હોવાથી તમામ મુસાફરોને ડ્રાઈવરની પાસેના કાચ તોડીને આગળથી બહાર કાઢવાની ફરજ પડી હતી. તેમજ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સના મારફતે સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
નોંધનીય છે કે, બસમાં ચાલકને ચાલુ બસમાં ખેંચ આવી ગઈ હતી. જેના કારણે બસ પરનો તેમણે કાબુ ગુમાવ્યો હતો, ત્યારે અચાનક બનેલી ઘટનાને પગલે બસમાં સવાર વિલાસબેન નામની મહિલા જીવ બચાવવા માટે બસમાંથી કૂદી પડી હતી. તેમને પણ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.