વલસાડથી અંદાજે 17 કિ.મી. દૂર દરિયા કિનારે ભદેલી જગાલાલા એટલે કે, સ્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના ગામમાં આવેલ હિંગળાજ માતાના મંદિરની સ્થાપના 5 પેઢી પહેલા માછીમારો દ્વારા કરવામાં આવી હતી. ભારત જ્યારે અખંડ હતું તે સમયે કરાંચી સુધી દરિયો ખેડવામાં આવતો હતો, ત્યારે માછલીની જાળમાં ત્રણ વખત એક જ પથ્થરની મૂર્તિ ફસાઈને આવી હતી. જેથી તે સમયના ધાર્મિક વૃતિવાળા લોકોએ આ મૂર્તિને પોતાની સાથે લઈ આવી જુના હિંગળાજ ફળીયામાં અને ત્યારબાદ વલસાડના હાલના મંદિરના સ્થાને સ્થપન કરી ભવ્ય મંદિરનું નિર્માણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે, અહીં સ્વર્ગીય વડાપ્રધાન મોરારજી દેસાઈએ પણ માતાજીના દર્શન કર્યા છે અને માતાજી તેમના કુળદેવી પણ છે.
શા માટે વલસાડના હિંગળાજ માતાના મંદિરે નવરાત્રીનું છે અનેરું મહત્વ, જાણો વિગતે...
વલસાડઃ પાકિસ્તાનના સિંધ પ્રાંત બલૂચિસ્તાનમાં આવેલ માતા હિંગળાજનું મંદિર 51 શક્તિપીઠમાંનું એક ગણાય છે. આ શક્તિપીઠના નામ ઉપરથી જ વલસાડના ભેદલી જગાલાલા ગામે પણ હિંગળાજ માતાનું મંદીર સદીઓ પહેલા બન્યું છે. આજે આ ગામનું નામ પણ હિંગળાજથી જ ઓળખાય છે.
મહત્વનું છે કે, હિંગળાજ ખાતે નવરાત્રીના નવ દિવસ સુધી મંદિરના પટાંગણમાં માતાજીના ગરબા દ્વારા તેમની આરાધના કરવામાં આવે છે. અહીં બે તાળી અને ત્રણ તાળીના ગરબા ઓર્કેસ્ટ્રા સાથે ગવાય છે.
હિંગળાજ માતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહનભાઇ ટંડેલે જણાવ્યું હતું કે, તેમના વડવાઓ દ્વારા વર્ષો પહેલાં માતાજીની મૂર્તિ દરિયામાંથી લાવી સ્થાપન કરવામાં આવ્યું હતું. આજે પણ માતાજી પર શ્રદ્ધા ટંડેલ સમાજના લોકોની અપાર છે. તેથી જ લોકોની આસ્થાને કારણે અહીં નવરાત્રીના આઠમના દિવસે ભવ્યાતિ ભવ્ય મેળો ભરાય છે જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે.