ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં ધાર્મિક મહિમા સાથે નવલા નોરતાની ઉજવણી, અંતિમ દિવસોમાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ - navratri celebration in vapi

વાપીઃ વર્ષો પહેલા ગામડા ગામમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓ ચમકતા આભલાથી સજાવેલા ગરબામાં દિવો મુકી આદ્યશક્તિ માઁ અંબાની આરધના સાથે પ્રાચિન ગરબા-રાસની રમઝટ બોલાવતા હતા. વાપીમાં આ પરંપરાને જીવંત રાખી છે. ધાર્મિક મહત્વ સાથે વિવિધ સોસાયટીમાં ગરબાનું આયોજન થયું હતું. તો અન્ય સોસાયટીમાં પર્યાવરણ બચાવો જેવા સામાજિક સંદેશ સાથે નવરાત્રીનું આયોજન કર્યું છે. ધાર્મિક પર્વને સામાજિક પર્વ બનાવી અબાલ-વૃદ્ધ સૌ કોઈ ગરબાનો આનંદ માણી રહ્યા છે.

ધાર્મિક મહિમા અને સામજિક સંદેશ સાથે નવરાત્રી પર્વની ઉજવણી

By

Published : Oct 7, 2019, 5:44 PM IST

નવરાત્રી પર્વ તેના અંતિમ ચરણમાં છે, ત્યારે વાપીની શેરીઓ અને સોસાયટીમાં રાત્રીના 12 વાગ્યા સુધી ખેલૈયાઓ DJના તાલે ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે. આ ધાર્મિક પર્વને સામાજિક પર્વ તરીકે કેટલીક સોસાયટીમાં ઉજવવામાં આવી રહ્યું છે. વાપીની પ્રમુખ સહજ સોસાયટીમાં આયોજકોએ આઠમના નોરતાએ સામાજિક સંદેશ આપવાના અનોખા પ્રયાસ સાથે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હતું.

ધાર્મિક મહિમા અને સામજિક સંદેશ સાથે નવરાત્રી પર્વની ઉજવણી
પર્યાવરણ બચાવો, પાણી બચાવો, બેટી બચાવો, સ્વચ્છતા અભિયાન સહિતના સંદેશ સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતાં. અહીં ટ્રાફિક અંગે જાગૃતિ સહિતની વિવિધ થીમ પર ગરબા રમી ખેલૈયાઓ અને આયોજકોએ સામાજિક સંદેશ સાથે ભવ્ય નવરાત્રીનું આયોજન કર્યું હતું. જેમાં બાળકોથી માંડી વૃદ્ધો પણ પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈ ગળામાં સામાજિક સંદેશના બેનર સાથે ગરબાનો આનંદ ઉઠાવ્યો હતો.એ જ રીતે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ગુજરાતી, રાજસ્થાની, મરાઠી, ઉત્તર ભારતીય પરિવારોએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી હતી. ચણીયા ચોળીમાં સજજ મહિલાઓએ કીર્તિદાન ગઢવી સહિતના લોકગાયકોના અવાજમાં DJના તાલે દોઢીયુ, ત્રણ તાળી અને રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. શિવાલિક હાઇટ્સમાં વર્ષોથી પરંપરાગત ગરબા રાસનું આયોજન કરવામાં આવે છે. મહિલાઓ ચણીયા ચોલીમાં સજ્જ બની આકર્ષક માટીના ગરબાને માથે લઇ રાસ રમ્યા હતાં.

પુરુષો કુર્તા-પાયઝામા અને માથે લાલ સાફામાં સજ્જ થઇ ગરબે ઘૂમ્યાં હતાં. ગીતા નગર સોસાયટીમાં માંહ્યવંશી સમાજે નવરાત્રી પર્વના આયોજનની રજત જયંતિની ઉજવણીના ભાગર સમાજના આગેવાનો, દાતાઓનું સન્માન કર્યું હતું. એવી જ રીતે અનુ શેરીઓ અને સોસાયટીમાં પણ ગરબાના શોખીનોએ પરંપરાગત રાસ-ગરબાની રમઝટ બોલાવી આદ્યશક્તિ જગદંબાની આરાધના કરી હતી.


સમયના બદલાતા પ્રવાહમાં માટીના શણગારેલા ગરબા સાથે માતાજીની આરાધનાનો મહિમાં વિસરાઇ રહ્યો છે. પાર્ટી પ્લોટમાં દોઢીયું, ત્રણ તાલી અને ફિલ્મી ગીતો પર ગરબે ઘૂમવાની પરંપરા વધી રહી છે. ત્યારે માટીના ગરબા સાથે મહિલાઓ અને પુરુષો ગરબા રમી પ્રાચિન પરંપરાને જીવંત રાખવાનો સરાહનિય પ્રયાસ કર્યો છે.

બીજીતરફ કેટલીક સોસાયટીમાં સામાજિક સંદેશ આપી આ પર્વને ધાર્મિક પર્વને સામાજિક પર્વના ફ્યુઝનમાં ઢાળવા પ્રયાસ કરાયો છે. જો આવા શુભ ઉદ્દેશ સાથે નવરાત્રી પર્વનું આયોજન થતું રહેશે તો, ચોક્કસ આવનારા દિવસોમાં ગરબા શોખીનો નવરાત્રીના ગરબા પાર્ટી પ્લોટમાં રમવાને બદલે શેરીઓ, સોસાયટીમાં રમતા વધુ જોવા મળશે.

નવરાત્રી પર્વમાં આવી દરેક સોસાયટી કે શેરી ગોકુલધામ બનશે જેમાં તમામ પારિવારિક ભાવના સાથે ગરબાની રમઝટ બોલાવતા હશે.

ABOUT THE AUTHOR

...view details