ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા RTO વિભાગ દ્વારા આગામી તારીખ 11 જાન્યુઆરી 2020થી તારીખ 17 જાન્યુઆરી 2020 સુધી 31માં નેશનલ રોડ સેફટી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન RTO વિભાગ દ્વારા રોડ પર વાહન ચલાવતા અનેક વાહનચાલકોને વાહન ચલાવતી વખતે રાખવામાં આવતી તકેદારી તેમજ RTOના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વિવિધ સેમિનાર સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતા RTO વિભાગના વલસાડ જિલ્લા RTO અધિકારી રાવલીયાએ જણાવ્યું કે, રોડ સુરક્ષા સપ્તાહનું ઉદ્ઘાટન જિલ્લા કલેકટરના હસ્તે કરવામાં આવશે. જે બાદ શાળા-કોલેજો અને વિવિધ સ્થળો પર વાહનચાલકોને વાહન ચલાવતી વખતે સીટબેલ્ટ, હેલ્મેટ, મોબાઇલ પર વાત ન કરવી જેવી અનેક માહિતીથી માહિતગાર કરવામાં આવશે.
વલસાડ RTO દ્વારા નેશનલ રોડ સેફટી સપ્તાહની ઉજવણી થશે ઉપરાંત ગ્રામ્યકક્ષાએ શાળાઓમાં તેમજ શેરીઓમાં સેફ્ટી મેળાનું આયોજન કરવામાં આવશે તો સાથે સાથે હેવી ટ્રકના ડ્રાયવરો માટે આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. તેમજ સ્કૂલવાન તેમજ સ્કૂલમાં બાળકોને લઈ જતાં વાહનચાલકો માટે પણ સ્પીડ લિમિટ અંગે માહિતી આપવામાં આવશે.
મહત્વનું છે કે, આજકાલ દરેક વાહનો મોટાભાગે યુવાનો અને યુવતીઓ ચલાવતા હોય ત્યારે વિશેષ જાગૃતતા કાર્યક્રમ સ્કૂલ અને કોલેજોમાં આયોજિત કરવામાં આવશે અને વાહન ચલાવતી વખતે વધુ ધ્યાન આપવા માટે ભાર આપવામાં આવશે તેવું વલસાડ જિલ્લાના RTO અધિકારીએ જણાવ્યું હતું.
વલસાડ જિલ્લાના RTO વિભાગ દ્વારા આ સાત દિવસ ચાલનારા 31માં નેશનલ રોડ સેફટી વીકની ઉજવણી દરમિયાન મકરસંક્રાંતિનો તહેવાર પણ આવી રહ્યો છે. જેને અનુલક્ષી કેટલાક વિશેષ કાર્યક્રમો દ્વારા પણ વાહનચાલકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે તેવું RTO વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.