ઉમરગામ તાલુકાના સરીગામ સ્થિત બોનપાડા વિસ્તારમાં મમતાબેન ભટ્ટની વાડીમાં સોમવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં રાષ્ટ્રીય પક્ષી બે મોર ઘાયલ હાલતમાં વાડીમાં મળી આવ્યા હતા. જેના અંગે વાડી માલિક મમતાબેનને મોરની હાલત ગંભીર જણાતા એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર અને શ્રી હિંસા નિવારણ સંઘના સરીગામ ભીલાડના પ્રમુખ અંકિત શાહને ટેલિફોનિક જાણ કરતા તુરંત ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં અંકિત શાહે ઘાયલ મોરની તપાસ કરતા જણાવ્યું કે, એક મોરના ખાવામાં કંઇક આવી જતા ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. જ્યારે બીજા મોરને અન્ય વાહન થકી ડોકના ભાગે ગંભીર ઇજા થતા ડોક વાંકી થઈ ગઈ હતી.
બન્ને મોરની હાલત ખૂબ જ ગંભીર હોવાથી ઘટનાની ગંભીરતા જાણી ભીલાડ ફોરેસ્ટ વિભાગના RFO અધિકારી નાનુભાઈ પટેલને ઉપરોક્ત ઘટના અંગે ટેલિફોનિક જાણ કરાતા અંકિત શાહને તોછડી ભાષામાં જવાબ આપીને ઘટનાસ્થળ પર હું આવીને શું કરું એવી વાત જણાવીને ઘટનાસ્થળ પર આવવાનું ટાળ્યું હતું.